સ્વદેશી મેળો આત્મનિર્ભર ભારત તરફનું સશક્ત પગલું – રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત
રંગ ઉપવન ખાતે સ્વદેશી મેળો 2026 ને ખુલ્લો મુકતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને સ્ટોલ પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : તા.21 :- સોનગઢ નગરપાલિકાના રંગ ઉપવન ખાતે શનિવારે સ્વદેશી મેળો – 2026 ને ખુલ્લો મુકતાં રમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, સ્વદેશી મેળો માત્ર પ્રદર્શન નહી પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું સશક્ત પગલું છે. સ્થાનિક કારિગરો, મહિલા જુથો અને યુવા ઉદ્યોગસાહસિકોને પોતાના ઉત્પાદનોને બજાર અને ગ્રાહક વર્ગ સુધી પહોંચાડવા આવા મેળાઓ શ્રેષ્ઠ મંચ સાબિત થાય છે.
નોંધનીય છે કે, સર્જનથી સમૃદ્ધિ સુધી આત્મનિર્ભર સખી અને વોકલ ફોર લોકલની થીમ સાથે સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેમજ સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના ઉમદા આશય સાથે સ્વદેશી મેળાના મંચ પરથી મંત્રી ડો. જયરામભાઈ ગામીતે સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ અને ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે 30 થી વધુ સ્ટોલ્સની મુલાકાત લઈને સ્ટોલ પ્રતિનિધિઓ સાથે સોહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. અને વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. તા. 21 ફેબ્રુઆરીથી પ્રારંભાયેલો સ્વદેશી મેળો તા. 27 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી રાત્રે 10 સુધી સોનગઢ ખાતે સરકારી હોસ્પિટલની સામે રંગ ઉપવન ખાતે ચાલુ રહેશે.
આ તકે સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારીકાબેન પાટીલ સહિત સ્થાનિક હોદ્દોદારો, પદાધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહદેવસિંહ વનાર, વિવિધ સખીમંડળના જુથો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
