ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પટેલનું દુઃખદ અવસાન
ફરજની શાળામાં તેમનાં અંતિમ દર્શન દરમિયાન બાળકો, શિક્ષકગણ તથા વાલીજનો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ અને કરંજનાં કેન્દ્રાચાર્યા એવાં જાગૃતિબેન પટેલનું ગતરોજ દુઃખદ અવસાન થયેલ છે. ખૂબજ સરળ, સૌમ્ય તથા મળતાવડા સ્વભાવનાં મૃદુભાષી એવાં જાગૃતિબેનનાં દુઃખદ અવસાનનાં પગલે કરંજ ગામ સહિત સમસ્ત ઓલપાડ તાલુકા શિક્ષણ આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સદગતનાં ધાર્મિક, આધ્યાત્મિક, પરોપકારી સ્વભાવ તથા તેમની અંતિમ ઈચ્છાને પગલે સેવાભાવી સંસ્થા ‘ડોનેટ લાઈફ’ નાં સહયોગથી તેમનાં પાર્થિવ દેહનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાગૃતિબેન અમર રહોનાં નારા હોસ્પિટલ કેમ્પસમાં ગુંજી ઉઠ્યા હતાં. મૃત્યુ બાદ દેહદાન કરવાની તેમની અંતિમ ઈચ્છા સમાજમાં નિ:સંદેહ ‘જાગૃતિ’ લાવશે એવું આ તકે સૌએ પ્રતિત કર્યુ હતું.
તેમની અંતિમયાત્રા આજરોજ તેમનાં કરંજ ગામ ખાતેનાં નિવાસસ્થાનેથી નીકળી તેમની ફરજ સ્થળની શાળામાં બાળકોનાં દર્શન અર્થે આવી પહોંચી હતી. અહીં શાળાનાં બાળકો, વાલીજનો સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલ શિક્ષક સમુદાયે તેમનાં પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અત્રે સદગતને બેન્ડવાજાની ધૂન સાથે સલામી આપવામાં આવી ત્યારે ઉપસ્થિત સૌ કોઈ પોતાનાં આંસુ રોકી શક્યા ન હતાં. રાષ્ટ્રગીત બાદ ષુષ્પશૈયાથી સજ્જ ટ્રેકટરમાં સ્વ. જાગૃતિબેન પોતાનાં અંતિમ વિસામા એવાં પારડીઝાંખરી ગામ ખાતેનાં સ્મશાનગૃહની વાટે સૌને રડાવતાં નીકળી પડ્યા હતાં.
આ દુઃખદ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સીઆરસી કો-ઓર્ડિનેટર વિજય પટેલ સહિત જિલ્લા અને તાલુકા ઘટક સંઘનાં હોદેદારોએ શોક વ્યક્ત કરી સદગતની આત્માની ચિર શાંતિ અર્થે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. સદગતની શાંતિ પ્રાર્થના તા. ૧૨/૦૨/૨૦૨૬ ને ગુરૂવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે કરંજ પ્રાથમિક શાળા કેમ્પસમાં રાખવામાં આવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
