જમીન મહેસુલ અધિનિયમ, 1879ના નિયમ 135-ડી હેઠળ પ્રસ્તાવિત ફેરફારો અંગે જનસૂચનો આમંત્રિત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 04 :- રાજ્ય સરકાર દ્વારા હાલમાં જમીન મહેસુલ અધિનિયમ 1879 ના નિયમ 135-ડી ની જોગવાઈ અનુસંધાને વેચાણની નોંધ મંજુર કરવાના કિસ્સાઓમાં કેટલાક નિતિગત ફેરફારો પર વિચારણા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પારદર્શિતા, જનભાગીદારી આધારિત શાસન અને સુચિત નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે આ પ્રસ્તાવિત ફેરફારો અંગે જાહેર જનતા પાસેથી સુચનો, પ્રતિસાદ આમંત્રિત કરવાનો નિર્ણય કરાયો છે.
પત્ર મુજબ, ઉક્ત તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર દ્વારા વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉકાઈ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા મામલતદારશ્રીને જમીન મહેસુલ અધિનિયમ 1879 ના નિયમ 135 – ડીની જોગવાઈ પરત્વે વેચાણની નોંધ મંજુર કરવાના કિસ્સામાં પ્રસ્તાવિત ફેરફારો અંગે જનતા પાસેથી સુચનો આમંત્રિત કરવા જણાવાયું છે.
જો કોઈ જમીન અથવા મિલકત સંદર્ભે કોઈના પક્ષે વેચાણ કે હિતસંબંધ સર્જાયેલી હોય, તો તે બાબતની નોંધ રેકર્ડ પર યોગ્ય સમયમર્યાદામાં તથા તાત્કાલિક થવી સુનિશ્ચિત કરવાની મુખ્ય જવાબદારી વેચાણ લેનાર પર રહેલી હોય છે. હાલની વ્યવસ્થામાં કલમ 135-ડી હેઠળની નોટીસ પ્રક્રિયાના કારણે અનેક વખત અનાવશ્યક અને વ્યવસ્થ તકરારો ઉદ્ભવે છે. જેના પરિણામે વાસ્તવિક રીતે રેકર્ડ પર હકદાર વેચનાર તથા વેચાણ રાખનારને બિનજરૂરી વિલંબ, તકલીફ અને અડચણોનો સામનો કરવો પડે છે.
આવા અનાવશ્યક વિવાદોને ઘટાડવા તથા રેકર્ડ નોંધ પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવવાના આશય સાથે કલમ 135-ડી માં સુધારાઓ પ્રસ્તાવિત કરાયા છે. જે મુજબ રેકર્ડ પર 1 વર્ષથી અથવા વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય અને આરઓઆર પર દેખાતા તમામ વ્યક્તિઓ વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલ હોય અને જો કોઈ કેસ પેન્ડિંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ 135-ડી ની નોટીસ પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે.
1 વર્ષની અંદર રેકર્ડમાં ફેરફાર થેયલ હોય, પાવર ઓફ એટર્ની થકી વેચાણ હોય, આરઓઆર પર અપિયર થનાર તમામ વ્યક્તિઓની વેચાણ દસ્તાવેજમાં સહી ન હોય અથવા દસ્તાવેજની તારીખે કોઈ કેસ પેન્ડિંગ હોય તો 15 દિવસની નોટિસ આપવાની રહેશે. સક્ષમ અધિકારી, કોર્ટ, ટ્રિબ્યુનલના હુકમની નોંધ તે જ સમયે કરવાની રહેશે અને તે અંગે કલમ 135 – ડી ની નોટિસ બજાવવાની રહેશે નહી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
