વિશ્વ કેન્સર દિવસ વિશેષ : ૭,૬૮૭ એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા તાપીના ૧૫,૬૯૦ અન્નદાતા બન્યા સ્વાસ્થ્યદાતા

પ્રતિકાત્મક ફોટો

Contact News Publisher

છેલ્લા ચાર વર્ષમાં લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમબદ્ધ કરાયાં

કેન્સરમુક્ત સમાજ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે*

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 04 :- ૪ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જ્યાં આખી દુનિયા આ જીવલેણ રોગ સામે જાગૃતિ અને લડતની વાત કરી રહી છે, ત્યાં તાપી જિલ્લાના ખેડૂતોએ એક પગલું આગળ વધીને લોકોની થાળી સુધી શુદ્ધ અને ઝેરમુક્ત આહાર પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. પરિણામે, તાપીના ૧૫,૬૯૦ ખેડૂત આજે માત્ર અન્નદાતા નહીં, પરંતુ સાચા અર્થમાં ‘સ્વાસ્થ્યદાતા’ બની ઉભરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી હવે જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે.

તાપી જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્રણ માસ પૂર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાપી જિલ્લાની મુલાકાત દરમિયાન માણેકપુરના પ્રાકૃતિક ખેતીમાં આગેવાન ખેડૂત રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે રતિલાલભાઈના સમર્પણ અને કાર્યની પ્રશંસા કરી હતી.

રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોના પરિણામે, જિલ્લામાં રતિલાલ વસાવા જેવા કુલ ૧૫,૬૯૦ ખેડૂતોએ ૭,૬૮૭ એકર વિસ્તારમાં રસાયણમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.

દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૪૫૫ ખેડૂતોને રૂ. ૭૮.૫૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં જિલ્લામાં કુલ ૯૯,૨૫૮ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, જેમાં માત્ર ચાલુ વર્ષ દરમિયાન જ ૧૮,૦૭૨ ખેડૂતો તાલીમબદ્ધ થયા છે.

જિલ્લામાં NMNF તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ કુલ ૧૦૨ ક્લસ્ટર કાર્યરત છે. જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. સોનગઢ તાલુકાના સિંગપુર ગામની નોંધાયેલી મહિલા મંડળી પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ ૭ વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

વાલોડ તથા નિઝર-કુકરમુંડામાં કાર્યરત ૨ FPO મારફતે ખેડૂતો ઓનલાઇન વેચાણ પણ કરી રહ્યા છે, જેના દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૪૭.૭૮ લાખથી વધુની આવક થઈ છે.

નોંધનીય છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ રસાયણ અને જંતુનાશક દવામુક્ત હોવાથી તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી કેન્સર જેવા જીવલેણ રોગોના જોખમ ઘટી જાય છે. વધુમાં પ્રાકૃતિક ખેતી જમીન, પાણી અને પર્યાવરણનું રક્ષણ કરે છે. તંદુરસ્ત સમાજથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા તથા કેન્સરમુક્ત ભારત માટે પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *