ઓલપાડની બલકસ પ્રાથમિક શાળામાં ગામની દીકરી ટીશા ઠાકોરે ગર્વભેર તિરંગો ફરકાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત બલકસ પ્રાથમિક શાળામાં દેશનાં 77 માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ‘દીકરીની સલામ દેશને નામ’ અંતર્ગત દરેક ગામોમાં સૌથી વધુ ભણેલી દીકરીનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. જે સંદર્ભે હાલમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરતી ગામની દીકરી ટીશા જિજ્ઞેશસિંહ ઠાકોરનાં હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં ટીશા ઠાકોરે ગર્વભેર જણાવ્યું હતું કે મને સ્વપનેય ખ્યાલ નહોતો કે મારા ગામની શાળામાં મારા જ હસ્તે ધ્વજ ફરકાવવાનો સંયોગ આવશે. આ અવસર મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે. તેણીએ આ અમૂલ્ય તક પાઠવવા બદલ શાળાનાં આચાર્ય મહેન્દ્રસિંહ ઠાકોર તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે દેશની આન, બાન, શાન સમા તિરંગાને સલામી આપવા ગામનાં રહીશ અને ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, પત્રકાર જિજ્ઞેશસિંહ ઠાકોર સહિત ગામનાં અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર દ્રારા દીકરી ટીશાનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં બાળકોએ ચોકલેટ, મીઠાઈ તથા અલ્પાહારની મિજબાની માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉપશિક્ષક ભરતભાઈ ટેલર સહિત શાળા વ્યવસ્થાપન સમતિએ જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
