ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં પ્રાથમિક સ્તરેથી જ નફો-નુકસાનની સમજ કેળવાય અને તેમનામાં નાવીન્યપૂર્ણતા, વિશ્વાસ, સાહસ, સહયોગિતા જેવાં ગુણોનો વિકાસ થાય એવાં શુભ હેતુસર યોજાયેલ આ આનંદમેળાને ડેપ્યુટી સરપંચ ભારતીબેન પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ વાસંતીબેન પટેલ તથા ઉપાધ્યક્ષ મનિષભાઈ પટેલે સંયુક્ત હાથે રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો. જેમાં સૌ બાળકોએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ આનંદમેળામાં મકાઈ ભેલ, દાણા ભેલ, મમરા ભેલ, મંચુરિયન, સમોસા, ખીચુ, પાણીપુરી, આલુપુરી, બટાકા ભૂંગળા, દહીંપુરી, પુલાવ, ગુલાબજાંબુ, રગડા પેટીશ, દહીંપુરી, કોકો, લીંબુ શરબત, મસાલા છાશ જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. શાળાનાં બાળકો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, વાલીજનો તથા ગ્રામજનોએ દરેક સ્ટોલની સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર રસાસ્વાદ માણ્યો હતો.
આનંદ કિલ્લોલ સાથે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય ચિરાગ પટેલ, ઉપશિક્ષિકા આશા ખોલીયા તથા રેખા રાઠોડે જહેમત ઉઠાવી હતી. અંતમાં ઉપશિક્ષક રવિન્દ્ર ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
