PUBG ગેમ રમતા થઈ મિત્રતા અને યુવતિનાં માથે બેઠી આફત
અશ્લિલ માંગણીઓ શરું કરી, તાબે નહિ થતાં ફેસબુક એકાઉન્ટ હેક કર્યુ
(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) : ઓનલાઈન ગેમનું ઘેલું કેટલીકવાર એવું ભારે પડે કે પસ્તાવાનો વારો આવે … ટાઈમપાસ કરવા માટે રમવામાં આવતી ઓનલાઈન ગેમ ક્યારેક જિંદગીમાં એવું નુકસાન પણ પહોંચાડી દે છે . અમદાવાદના સોલામાં આવો જ એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે . પબજી ગેમ રમતા રમતા રચાયેલા સંબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતીનું ફેસબુક અને મેઈલ આઈડી હેક કરી 50 હજારની માંગણી કરતા મામલો પોલીસમથક સુધી પહોચવા પામ્યો છે.
ઓનલાઈન ગેમ અને તેમાય પબજી ગેમનો ચસ્કો યુવાધનમાં ભારે લાગ્યો છે , આ ગેમને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવી જતા હોય છે . કેટલાય લોકો પર આ ગેમની નકારાત્મક અસર જોવા મળે છે . એવામાં સોલામાં રહેતી એક યુવતી પબજી ગેમ રમતા રમતા જીતેન્દ્ર નામના યુવકના સંપર્કમાં આવી હતી . યુવતી અને જીતેન્દ્ર વચ્ચે ગેમ રમવા દરમિયાન મિત્રતા થઈ હતી . બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાતો કરવા લાગ્યા હતા . બાદમાં યુવકે યુવતી પાસે અશ્લીલ માંગણીઓ શરૂ કરી હતી.
થોડા સમય બાદ યુવક યુવતીને વીડિયો કોલ કરીને તેની પાસે બીભત્સ માંગણીઓ કરવા લાગ્યો . યુવતીએ આખરે કંટાળીને તેની સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો . તો જીતેન્દ્રએ યુવતીના સોશ્યલ મીડિયાનું એકાઉન્ટ હેક કરીને તેના તમામ ફોટો મેળવી લીધા . થોડા સમય બાદ એકાઉન્ટ હેક થયાની જાણ થતા જ યુવક સાથે યુવતીના ભાઈએ વાત કરતા તેણે 50 હજારની માંગણી કરી હતી . એટલું જ નહિ , થોડા સમય બાદ આ એકાઉન્ટ પરથી યુવતીના પરિચિત લોકો સાથે યુવતી વિશે અભદ્ર વાતો પણ કરવા લાગ્યો , આખરે કંટાળીને યુવતીની બદનામી થતા યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી .