આરોગ્ય તંત્રનો સંકલ્પ રક્તપિત્ત મુક્ત તાપી

Contact News Publisher

આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી ૩,૪૮૩ દર્દીઓને ‘માઈક્રો સેલ્યુલર રબર શૂઝ’નું વિતરણ કરાયું

રક્તપિત્ત વિશેની સામાજિક માન્યતાઓ તોડવા અને લક્ષણો ઓળખવા પર ભાર આપતાં લેપ્રસી અધિકારી ડો. જીગ્નેશ પટેલ

આયુષ્માન આરોગ્ય મંદિરથી સિવિલ હોસ્પિટલ સુધી રક્તપિત્તની દવાઓ તદ્દન મફત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30 :- દરવર્ષે 30 જાન્યુઆરીના રોજ વિશ્વ લેપ્રસી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ ગ્રામસભાઓના માધ્યમથી આ અભિયાનનો વેગવંતો પ્રારંભ થયો છે. એન્ડિંગ ડિસ્ક્રિમિનેશન, એન્સ્યોરિંગ ડિગ્નિટી એટલે કે ‘ઘૃણાનો અંત લાવો, ગૌરવને સ્વીકારો’ ના થીમ હેઠળ તાપી જિલ્લામાં ઝુંબેશને વેગવાન બનાવવાનો મુખ્ય આશય રક્તપિત્તથી પ્રભાવિત વ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા કેળવી તેમને સમાજમાં માનભેર સ્થાન અપાવવાનો છે. તાપી જિલ્લાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો પ્રમાણદરના પડકારોને પાર કરવા માટે આરોગ્ય તંત્ર સમર્પિત છે.

જિલ્લામાં ‘એક્ટિવ કેસ ડિટેક્શન’ અને જનજાગૃતિની કામગીરીમાં સમર્પિત તાપી આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા આઠ વર્ષમાં પગમાં સંવેદના ગુમાવી ચૂકેલા ૩,૪૮૩ અને ગત વર્ષે ૩૫૦ થી વધુ દર્દીઓને ખાસ પ્રકારના ‘માઈક્રો સેલ્યુલર રબર શૂઝ’ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતાં, જેથી તેઓને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાયા છે. વધુમાં આરોગ્ય તંત્ર દ્વારા આઈઈસી પ્રવૃત્તિઓના માધ્યમથી સામુદાયિક જાગૃત્તિ માટે સરાહનીય કામગીરી કરી રહ્યું છે.

રક્તપિત્તની વાત કરીએ તો ઘણીવાર અજ્ઞાનતાના કારણે લોકો રક્તપિત્તના દર્દીથી દૂર ભાગે છે, પરંતુ હકીકત સાવ જુદી છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ કોઈ ચેપી રોગ નથી… સાથે બેસવા કે સ્પર્શ કરવાથી આ રોગ ફેલાતો નથી. તે માઈક્રોબેક્ટેરિયમ લેપ્રીના સૂક્ષ્મ જીવાણુથી થાય છે. વહેલું નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી આ રોગ સંપૂર્ણ મટી શકે છે અને અપંગતા અટકાવી શકાય છે. શરીરના કોઈ ભાગમાં આછું, ઝાંખુ કે રતાશ પડતુ સંવેદના વિનાનું ચાઠું પડવું, શરીરના જ્ઞાનતંતુઓ જાડા થવા અથવા તેમાં દુખાવો થવો આ તેના લક્ષણો છે.

તાપી કલેક્ટર ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને જિલ્લા લેપ્રસી અધિકારી ડો. જીગ્નેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય તંત્ર રક્તપિત્ત મુક્ત સમાજ બનાવવા પરિણામલક્ષી પ્રયાસો કરી રહ્યાં છે. નોંધનીય છે કે, તાપી જિલ્લાના તમામ સરકારી દવાખાના, આયુષ્માન આરોગ્ય મંદિર, પીએચસી અને સિવિલ હોસ્પિટલ ખાતે MDT સારવાર તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

રક્તપિત્ત એ માત્ર રોગ નથી, પણ તેની સાથે જોડાયેલું સામાજિક કલંક એ મોટી બીમારી છે. આ માન્યતાને તોડવા અને રક્તપિત્ત મુક્ત સમાજ બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી વિશેષ જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *