તાપી જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની સાથે સાથે…
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રજાસત્તાક પર્વના અવસરે ઉચ્છલ-બાબરઘાટ ખાતે કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા લોકકલ્યાણકારી યોજનાઓ, સિદ્ધિઓ અને વિકાસકાર્યોને રજૂ કરતા કુલ ૧૧ આકર્ષક ટેબ્લોએ પ્રેક્ષકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
આમાં પ્રથમ સ્થાન આદજાતિ વિકાસ વિભાગના ટેબ્લોએ પ્રાપ્ત કર્યું હતું. ટેબ્લોના માધ્યમથી પીએમ જનમન યોજના અંતર્ગત મંજૂર મલ્ટીપર્પઝ સેન્ટર, રોબોટિક લેબ (ઈએમઆરએસ-ઇન્દુ), બાળકો માટેની શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓ સાથે સાથે તાપી જિલ્લાના ગૌરવ સમાન ૨૮ આદિવાસી બાળકોના ઇસરોના શૈક્ષણિક પ્રવાસને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ ટેબ્લોએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
ગત વર્ષે તાપી જિલ્લાના ૨૮ આદિજાતિ વિદ્યાર્થીઓએ ‘વિજ્ઞાન સેતુ – તાપી કે તારે’ પ્રોજેક્ટ અંતર્ગત ઓગસ્ટ ૨૦૨૫માં ઇસરોના શ્રીહરિકોટા (સતીશ ધવન સ્પેસ સેન્ટર)નો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન મોટા ભાગના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત વિમાનયાત્રાનો અનુભવ કર્યો હતો અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે નવી પ્રેરણા મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા વિભાગ (વાસ્મો) દ્વારા ‘નલ સે જલ યોજના’ અંતર્ગત લોકભાગીદારી આધારિત પીવાના પાણીની વ્યવસ્થાની ઝાંખી રજૂ કરતો ટેબ્લો દ્વિતીય ક્રમે રહ્યો હતો, જ્યારે ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતો ટેબ્લો ત્રીજા ક્રમે રહ્યો હતો.
વ્યારા વન વિભાગ દ્વારા ‘લખપતિ દીદી નર્સરી’ અને ‘વન કવચ’ યોજનાની થીમ રજૂ કરવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગે ‘સ્વસ્થ ગુજરાત – NCD મુક્ત ગુજરાત’નો સંદેશ આપ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ભી – પઢાઈ ભી’ થીમ રજૂ કરવામાં આવી હતી. ખેતીવાડી અને આત્મા વિભાગે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો પ્રચાર કર્યો, જ્યારે DGVCL દ્વારા સૌર ઊર્જા સંચાલિત ખેતીવાડી પંપ અને સોલાર રૂફટોપ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલન વિભાગ તથા ફાયર વિભાગ દ્વારા ફાયર એન્ડ સેફ્ટીના નિદર્શન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન યોજાયેલા ડોગ શોમાં ‘માઈલો’ અને ‘જેકી’ એ તેમની અદભુત તાલમેલ અને શિસ્તબદ્ધ કરતબોથી સૌને અચંબિત કર્યા હતા. તેમણે અવરોધો પાર કર્યા, ઊંચા કૂદકા માર્યા અને દેશભક્તિભર્યા માહોલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમની તાલીમ અને શિસ્તબદ્ધ રજૂઆતને હાજર તમામ દર્શકો તરફથી જોરદાર તાળીઓ અને પ્રશંસા મળી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
