રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરતાં મંત્રીશ્રી ડૉ. ગામીત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. – રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં શુક્રવારે સોનગઢ તાલુકા સેવા સદન ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મંત્રીશ્રી ગામીતે વિવિધ વિભાગો દ્વારા ચાલી રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ ખાસ કરીને નાગરિકો તરફથી મળતી રજૂઆતો અને પ્રશ્નોનો વિલંબ કર્યા વગર ત્વરિત નિકાલ લાવવા અંગે સંબંધિત અધિકારીને રચનાત્મક સૂચનો કર્યા હતાં.
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે વિવિધ વિભાગોના અધિકારીઓને વિકાસલક્ષી કામો અને વહીવટી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવી તેને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા, વહીવટમાં ઝડપ અને સચોટતા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નોંધનીય છે કે, વર્તમાન સમયમાં ડિજિટલ ગવર્નન્સના મહત્વને સમજાવતા બેઠકમાં ઈ-સરકારના ઉપયોગ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કાગળના ઉપયોગને ઘટાડીને પારદર્શક કામગીરી માટે તમામ વિભાગોને ઈ-સરકાર પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ તકે મંત્રીશ્રીએ જનસુવિધા કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં સોનગઢ પ્રાંતશ્રી સંદીપ ગાયકવાડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પિયુષભાઇ ગામીત, મામલતદારશ્રી, સંકલન સમિતિના અધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો, પંચાયત સભ્યો, વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
