વ્યારા ખાતે નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં ‘વીર બાલ દિવસ’ની ભવ્ય ઉજવણી
શોર્ટ ફિલ્મ દ્વારા સાહિબજાદાઓની શૌર્યગાથા નિહાળતા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ
—
વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વીરતા, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. :- શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો-સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં તેમજ તાપી જિલ્લાના બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવાના ઉમદા આશય સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડની ઉપસ્થિતિમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વક્તા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના મદદનીશ પ્રાધ્યાપકશ્રી ઉમેશકુમાર ચૌધરીએ જણાવ્યું કે, ‘શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓએ રણમેદાનમાં શત્રુઓના વિશાળ સૈન્ય સામે અદભૂત સાહસનું પ્રદર્શન કર્યું હતું. આ શૂરવીરોની ગાથા સાબિત કરે છે કે વીરતા કોઈ ઉંમરની મહોતાજ હોતી નથી. ગુરુજીના બે મોટા સાહિબજાદાઓએ રણમેદાનમાં શહીદી વહોરી હતી, જ્યારે બે નાના સાહિબજાદાઓએ પણ અડગ રહીને જીવતા દીવાલમાં ચણાઈ જવાનું પસંદ કર્યું, પરંતુ પોતાનો ધર્મ અને સ્વાભિમાન ન છોડ્યું. આ અપ્રતિમ શૌર્ય અને બલિદાનના સુવર્ણ ઇતિહાસથી સૌ પરિચિત થાય તે અત્યંત જરૂરી છે.
કોલેજના આચાર્ય શ્રી હિતેન્દ્ર ખરવાસિયાએ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સને સંબોધતા જણાવ્યું કે, ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ આવનારી યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં ઉપયોગી બનશે. સરદાર સાહેબે અખંડ ભારત, મહાભારત, સમૃદ્ધ ભારત અને દિવ્ય ભારતના જે શ્રેષ્ઠ વિચારો આપ્યા છે, તેને જો સાચા અર્થમાં સાકાર કરવા હશે તો તેનું સિંચન બાળકોથી જ થવું જોઈએ. આ કાર્યક્રમ દ્વારા બાળકોને ઉત્તમ માર્ગદર્શન મળ્યું છે અને આજની પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડવાનો ઉદ્દેશ્ય સાચા અર્થમાં સાર્થક થયો છે.
આ તકે, ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના બલિદાનને દર્શાવતી શોર્ટ ફિલ્મને વાઈસ પ્રિન્સીપાલ શ્રી વી.એચ. ગામીત, રમત-ગમત અને યુવા વિભાગના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળી હતી.
આ કાર્યક્રમનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રીમતી આર. પી. ચૌહાણ આર્ટ્સ અને શ્રીમતી જે. કે. શાહ કોમર્સ કોલેજ, વ્યારાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
