મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પત્ર પાઠવી ધ્રુવીની મહેનત, શિસ્ત અને લક્ષ્યવેધના કૌશલ્યને બિરદાવ્યું

Contact News Publisher

શુભેચ્છા પત્રથી મને ભવિષ્યમાં મહેનત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાની પ્રેરણા મળી – કુ.ધ્રવી પંચાલ (તાપીનું ગૌરવ)

રાજસ્થાન ખાતે ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૫’ માં ધ્રુવીએ ગોલ્ડ મેડલ પર સાધ્યો સટિક નિશાનો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. :- રાજસ્થાન ખાતે તાજેતરમાં યોજાયેલી ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૫’ માં તાપી જિલ્લાના વ્યારાની પ્રતિભાશાળી એર રાઈફલ શૂટર કુ. ધ્રુવી પંચાલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્રુવીને વિશેષ શુભેચ્છા પત્ર પાઠવી અભિનંદન આપ્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ શુભેચ્છા પત્રમાં ધ્રુવીની અવિરત મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેના દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આદિકાળથી લક્ષ્યવેધનું કૌશલ્ય આપણી સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. નિશાન સાધવાની કલા એ એકાગ્રતા, શ્વાસના નિયમન અને આંગળીઓના તાલમેલનો અનોખો સંગમ છે. આ તમામ પાસાઓ પર પ્રભુત્વ મેળવીને ધ્રવીએ ગોલ્ડ મેડલ જીત્યો છે, એ રાજ્ય માટે ગૌરવની બાબત છે.

મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૧૦ થી શરૂ થયેલા ‘ખેલ મહાકુંભ’ દ્વારા રાજ્યના અંતરિયાળ વિસ્તારના રમતવીરોને પણ પોતાનું કૌશલ્ય દાખવવાની તક મળી છે. ધ્રુવીએ ધોરણ-૭ થી રમતગમત ક્ષેત્રે આગળ વધવાનો જે સંકલ્પ લીધો હતો, તે આજે રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ સફળતામાં પરિણમ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ધ્રુવીને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા.

આ તકે ધ્રુવી પંચાલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સર તરફ થી શુભેચ્છા પત્ર મળતા હું અને મારું પરિવાર ખુબ ખુશ છીએ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મુખ્યમંત્રીશ્રી તરફથી શુભેચ્છા પત્ર મળવો એ મારા માટે મોટું પ્રોત્સાહન છે. આ પત્રથી મને ભવિષ્યમાં વધુ સખત મહેનત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરવાની પ્રેરણા મળી છે.

આ તકે તાપી જિલ્લા વહીવટી તંત્ર પણ ધ્રુવી પંચાલને શુભકામનાઓ પાઠવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *