સોનગઢના નિશાણા ખાતે પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાયો
ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે લાઈવ ડેમો બતાવાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. :- આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા રવિ ઋતુમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવાના આશય સાથે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મિશન ક્લસ્ટર – નિશાણા ખાતે એક વિશેષ જનજાગૃતિ અને નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ મેનેજરશ્રી પૂજાબેન પટેલ અને તાલુકા પ્રોજેક્ટ મેનેજરશ્રી સ્વાતિબેન ગામીત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયદીપભાઈ ગામીત અને દાર્મિશભાઈ ચૌધરીએ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્થાનિક સ્તરે કૃષિ સખી શીલાબેન ગામીત અને સી.આર.પી. નટવરભાઈ ગામીત દ્વારા કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિનો લાઇવ ડેમો બતાવવામાં આવ્યો હતો. આ મિશ્રણનો છંટકાવ કઈ રીતે કરવો અને તેની ઉપયોગીતા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જીવામૃત માત્ર ખાતર નથી, પરંતુ જમીન માટે ‘જીવંત ખોરાક’ છે. તે જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
વધુમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, નિશાણા ખાતે તૈયાર કરવામાં આવેલા ‘પાંચ સ્તરીય મોડેલ ફાર્મ’ ની મુલાકાત કરાવવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રસાયણમુક્ત ખેતી દ્વારા જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
