ઓલપાડની તળાદ માધ્યમિક શાળામાં સુરતની નવયુગ કોમર્સ કોલેજ દ્વારા 7 દિવસીય એનએસએસ શિબિરનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરતની નવયુગ કોમર્સ કોલેજનાં એનએસએસ યુનિટ દ્વારા ચાલુ માસે ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર શિબિરનું ઉદઘાટન કોલેજનાં આચાર્ય ડો. વિનોદભાઈ પટેલ, શાળાનાં આચાર્ય મિત્રો, સ્થાનિક કેળવણી મંડળનાં કારોબારી સભ્યો તેમજ ગામનાં સરપંચની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ શાળા કેમ્પસ તથા ગામમાં સ્વચ્છતા અભિયાન, અંધશ્રદ્ધા જાગૃતિ કાર્યક્રમ, વ્યસનમુક્તિ અને સ્વચ્છતા અંગે રેલીનું આયોજન કર્યું. આ સાથે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર દ્વારા આંખની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ પણ યોજાયો. માનસિક સ્વાસ્થ્ય, ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનાં મહત્વ અંગે નિષ્ણાતોનાં વ્યાખ્યાન યોજાયા. ઉપરાંત તળાદ શાળાનાં વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ, ગીત, પોસ્ટર મેકિંગ તથા પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસએસ સ્વયંસેવકો દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી તથા સામાજિક સેવા સંબંધિત અનેક પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. શિબિરનાં સમાપન સમારંભમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિગીત, ગરબા, ડાન્સ, બેટી બચાવો, AI નો દુરૂપયોગ તથા સામાજિક સંદેશ આધારિત નાટિકા રજૂ કરવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શાળાનાં વિદ્યાર્થીઓ અને એનએસએસ સ્વયંસેવકો કે જેઓ જુદી જુદી પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ હતા તેમને ઇનામ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સ ડો. અંકિતા ઝાડેશ્વરીયા, ડો. રૂપેશ દવે અને ડો. ધરીત નાયક દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
