વ્યારામાં સશક્ત નારી મેળો સંપન્ન : ૫૫ સ્ટોલ્સ દ્વારા રૂ. ૧૫.૮૫ લાખની કમાણી

Contact News Publisher

૧૦ હજારથી વધુ મુલાકાતીઓનો પોષ્ટિક આહાર અને સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યેનો અભિગમ બદલાયો

ફૂડ સ્ટોલ્સમાં લોકોએ પરંપરાગત વાનગીઓના સ્વાદનો ભરપૂર આનંદ માણ્યો

સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ માટે સંકલ્પબદ્ધ તાપીની નારી શક્તિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. :- તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલયના મેદાન ખાતે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાયેલા સશક્ત નારી મેળામાં મહિલાઓએ પોતાની વ્યવસાયિક કુશળતાનો પરિચય આપતા માત્ર ત્રણ દિવસમાં રૂ. ૧૫.૮૫ લાખનું વેચાણ નોંધાવ્યું હતું. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાની ૧૦ હજારથી વધુ મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

આ મેળામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) – મિશન મંગલમ યોજનાના સ્વસહાય જૂથો તેમજ મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના વિભાગોને કુલ ૫૫ સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા હતા. આ મેળામાં પરંપરાગત હસ્તકલા આધારિત ચીજવસ્તુઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ખાસ કરીને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઇનોવેટિવ કુર્તા, સાડીઓ અને હસ્તકલાની ચીજવસ્તુઓની ભારે માંગ રહી હતી. આ ઉપરાંત, અહીંના ફૂડ સ્ટોલ્સમાં પરંપરાગત વાનગીઓની મિજબાની માણી લોકોએ સ્વાદનો ભરપૂર આનંદ લીધો હતો. સ્વાદના રસિયાઓ માટે આ સ્ટોલ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.

વધુમાં શુદ્ધ ઓર્ગેનિક મસાલા, ગોળ, અથાણાં અને ‘મિલેટ્સ’ (શ્રી અન્ન) માંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓ પર મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ મેળાએ સાબિત કર્યું છે કે, જો યોગ્ય મંચ મળે તો ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે અને નાના પાયાના ઉદ્યોગોને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ તથા ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને સાર્થક કરતી તાપી જિલ્લાની બહેનો સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ કરીને વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતના વિઝનને પાયાથી મજબુતી પ્રદાન કરી રહી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *