વ્યારામાં ‘સશક્ત નારી મેળા’ થકી ખીલી રહી છે નારી શક્તિ
‘વોકલ ફોર લોકલ’ થી પ્રેરાઈને વારલી આર્ટ આધારિત પર્સ સહિત વિવિધ હસ્કતલાની વસ્તુઓ બનાવું છું – યુવા સાહસિક વૈશાલીબેન ગામીત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. :- વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી ચાલનાર ‘સશક્ત નારી મેળા’નું આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકોને એક સક્ષમ મંચ પૂરું પાડવાનો છે.
આ મેળામાં વ્યારાની યુવા ઉદ્યોગ સાહસિક વૈશાલીબેન ગામીત આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમને મેળામાં વિશેષ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. પરંપરાગત ટ્રાઇબલ ચીજવસ્તુઓ બનાવવાનો શોખ ધરાવતી વૈશાલીબેને માત્ર ત્રણ-ચાર મહિના પહેલા જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે.
વૈશાલીબેન ગામીતે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આભાર માનતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહવાનથી પ્રેરાઈને તેમણે આદિવાસી સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને લોકો સુધી પહોંચાડવાનો કોન્સેપ્ટ અપનાવ્યો છે. હું વારલી કલા આધારિત આકર્ષક પર્સ, સુંદર ચિત્રકલા અને વિવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવી રહી છું.
પોતાના શોખને પ્રોફેશનમાં બદલીને તેઓ અન્ય યુવતીઓ માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સરકારે સ્ટોલ ફાળવીને વૈશાલીબેન સહિત અનેક મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, તેનાથી નાના ઉદ્યોગકારોને મોટું પ્લેટફોર્મ મળ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
