૫૧ ઇ-રિક્ષાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
સશક્ત નારી મેળામાં ગુંજ્યો ‘સ્વચ્છતાનો નાદ’
—
કચરાની કાયમી સમસ્યાના ઉકેલ માટે ૨૦૦ થી વધુ ઇ-રિક્ષાઓ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : તા. ૨૦. :- ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વ્યારા આયોજિત ‘સશક્ત નારી મેળા’ માં ગ્રામીણ સ્વચ્છતા ક્ષેત્રે એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે. આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ફાળવવામાં આવેલી કુલ ૨૦૦ ઇ-રિક્ષા પૈકી ૫૧ ઇ-રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેનો આશય ગામડાઓમાં ઘન કચરા વ્યવસ્થાપન પ્રક્રિયાને વેગ આપવાનો છે.
આ રિક્ષા ઇલેક્ટ્રિક હોવાથી પ્રદૂષણ મુક્ત છે, જે પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થશે. ઇ-રિક્ષા મળવાથી ગામમાં કચરાના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ માત્ર વાહન નથી, પણ ગામના આરોગ્ય અને સુંદરતા માટેનું એક સબળ માધ્યમ છે. ગામના પ્રત્યેક ઘરેથી ભીનો અને સૂકો કચરો એકત્રિત કરીને કચરાને ગામમાં બનાવેલા ‘સેગ્રીગેશન શેડ’ પર લઈ જવામાં આવશે. અહીં પ્લાસ્ટિક, કાચ, કાગળ સહિતના કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવામાં આવશે.
આવા કચરાનો સેગ્રીગેશન શેડ પર વર્ગીકૃત થયા બાદ ભીના કચરામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખાતર તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત, સૂકા કચરા અને પ્લાસ્ટિકને રિસાયકલિંગ માટે મોકલવામાં આવે છે. જે માટે અંદાજિત ૨૦૦ જેટલી ઇ-રિક્ષાઓ ગ્રામ પંચાયતોને ફાળવવમાં આવશે. નોંધનીય છે કે, સ્વચ્છ ભારત મિશન આજે જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિણમ્યું છે, ત્યારે તાપી જિલ્લાના પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાય જિલ્લાને સ્વચ્છ બનાવવા પ્રતિબદ્ધ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
