વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે ત્રણ દિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ થશે
તાપી જિલ્લાના વિવિધ સખીમંડળોના હુનરને મળશે શ્રેષ્ઠ મંચ – લખપતિ અને ડ્રોન દીદીઓને સન્માનિત કરાશે
—
આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાશે નારી મહોત્સવ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે તાપી જિલ્લામાં તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ નું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન ૨૦મીએ રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમત રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સહિતના જનપ્રતિનિધિઓ, જિલ્લાના અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી જેવા પ્રકૃતિપ્રેમી આદિવાસી જિલ્લાની ગ્રામીણ અને શહેરી મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સખી મંડળો (SHG) દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ, ખેતી આધારિત ઉત્પાદનો અને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.
આ પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક કલા-કારીગરીને વ્યાપક બજાર પૂરું પાડી સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે નારી શક્તિના આર્થિક પરિવર્તન માટે પાયારૂપ બનશે. ખાસ કરીને લખપતિ દીદી, ડ્રોન દીદી અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવશે.
આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને મહિલા કલ્યાણ, સ્ટાર્ટઅપ સહાય અને સ્વરોજગાર અને મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
