સુશાસનનો પર્યાય : આયુષ્માન કાર્ડ બન્યું તાપીના નવજાત જોડિયા બાળકો માટે સુરક્ષાકવચ

Contact News Publisher

પાંચ લાખ જેટલી રકમની વ્યવસ્થા કરવી અસંભવ હતી, સરકાર અમારી પડખે ઊભી રહી – ગણેશભાઈ કોંકણી (લાભાર્થી પિતા, વાલોડ)

પાંચ લાખનો ખર્ચ અને મધ્યમ વર્ગની લાચારી, વહારે આવી આયુષ્માન ભારત યોજના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. :- ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈજીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘સુશાસન સપ્તાહ’ ઉજવણી થઈ રહી છે. સુશાસન એટલે માત્ર વહીવટ નહીં, પણ મુશ્કેલીના સમયે સરકારનું નાગરિકની પડખે હોવું. આ વાત સાચા અર્થમાં સાર્થક થઈ છે, જ્યારે તાપી જિલ્લાના કોંકણી પરિવાર પર ચિંતાનો પહાડ તૂટી પડ્યો..

વાલોડ તાલુકાના દેગામા ગામના ગણેશભાઈ કોંકણીએ જણાવ્યું કે, ઘરે જોડિયા બાળકોના જન્મની ખુશીઓ તો આવી, પરંતુ સમય પૂર્વે ડિલિવરી થતા બાળકોનું સ્વાસ્થ્ય નબળું હતું. જે માટે તબીબોએ એક મહિના સુધી બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવાની સલાહ આપી હતી. જેનો અંદાજિત ખર્ચ રૂ. 5 લાખ જેટલો થતો હતો. મારા જેવા સામાન્ય પરિવાર માટે આ રકમ ભરવી અસંભવ હતી.

વધુમાં ઉમેર્યુ કે, અમે ખાનગી હોસ્પિટલોના તબીબોના માર્ગદર્શન હેઠળ વ્યારાની મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અહીંના તબીબોએ આયુષ્માન ભારત યોજના અંગેની જાણકારી આપીને કાર્ડ કઢાવવાની પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરી હતી. હવે મારા બાળકો એક મહિના સુધી તબીબોના નિરિક્ષણ હેઠળ રહેશે. જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. મારા બાળકોની શ્રેષ્ઠ સારવાર કરાવીને મને આર્થિક સંકટમાંથી મુક્તિ આપવા બદલ અને મુશ્કેલીના સમયે અમારી પડખે ઊભા રહેવા બદલ હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી આ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આજે આયુષ્માન કાર્ડ લાખો પરિવારો માટે માત્ર સરકારી યોજના નથી, પરંતુ નાગરિકો માટે સુરક્ષા કવચ બની રહી છે. આ યોજનાએ લાખો પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *