“સશક્ત નારી મેળો ૨૦૨૫” :- તાપી જિલ્લામાં મહિલા સશક્તિકરણનો ત્રિદિવસીય મહોત્સવ

Contact News Publisher

૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના મેદાન ખાતે “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન

તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરાશે

મહિલા સ્વસહાય જૂથોથી સ્ટાર્ટઅપ સુધી : ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનું વિશાળ મંચ પૂરું પાડવાનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા નેતૃત્વ વિકાસના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહિલાઓને આર્થિક, સામાજિક અને વ્યવસાયિક રીતે સશક્ત બનાવવા માટેનો આ રાજ્યસ્તરીય પ્રયાસ જિલ્લાકક્ષાએ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ અનુસંધાને તાપી જિલ્લામાં તા. 20 થી 22 ડિસેમ્બર દરમિયાન વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાનો પ્રારંભ તા. 20 ડિસેમ્બરે રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી તથા સહયોગી વિભાગોની સંકલિત વ્યવસ્થા હેઠળ આયોજિત આ મેળો મહિલાઓ માટે નવા આર્થિક અવસરોના દ્વાર ખોલશે.

નોંધનીય છે કે,તા. 20 ડિસેમ્બરેથી પ્રારંભ થતાં આ મેળામાં મહિલા સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ, મહિલા સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક હસ્તકલા, ખાદી તથા હસ્તવણાટ એકમો, મિલેટ આધારિત ફૂડ યુનિટ્સ, કૃષિ આધારિત ઉત્પાદનો અને ગ્રામ્ય આજીવિકાથી જોડાયેલા સૂક્ષ્મ ઉદ્યોગો દ્વારા પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટેના વિવિધ વેચાણ કાઉન્ટર તથા B2B લિંકેજ ડેસ્ક પણ કાર્યરત રહેશે, જેથી ઉત્પાદકોને સીધો બજાર સંપર્ક મળી શકે.

મેળા દરમિયાન મહિલા કેન્દ્રિત વિવિધ સરકારી યોજનાઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, સ્ટાર્ટઅપ સપોર્ટ, સહકારી સંસ્થાઓની રચના, નાણાકીય સમાવેશ, ડિજિટલ સાક્ષરતા,પોષણ,આરોગ્ય, કૌશલ્ય વિકાસ,ડિઝિટલ સાક્ષરતા અને ઓનલાઈન વ્યવસાય જેવા વિષયો પર માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવશે. જિલ્લા કક્ષાના અધિકારીઓ, યોજનાના અમલદારો, સફળ મહિલા ઉદ્યોગસાહસિકો તથા પ્રેરણાદાયી મહિલાઓ આ અવસરે ઉપસ્થિત રહેશે.

આ મેળાનો મુખ્ય હેતુ માત્ર પ્રદર્શન પૂરતો નહીં પરંતુ મહિલાના હૂનર, ઉત્પાદન અને ઉદ્યોગને બજાર સાથે જોડીને ટકાઉ આવક અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવાનો છે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન, રોજગાર સર્જન અને ગામડા માંથી ઊભરતી પ્રતિભાને રાજ્યસ્તર સુધી પહોંચાડવા માટે “સશક્ત નારી મેળો” એક અસરકારક પ્લેટફોર્મ સાબિત થશે. આ અવસરે ડ્રોન દીદી, લખપતિ દીદી અને અન્ય પ્રભાવશાળી મહિલાઓના યોગદાનને સન્માનિત કરવામાં આવશે.

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ મહિલાઓ, સ્વસહાય જૂથો, યુવા ઉદ્યોગસાહસિકો તથા નાગરિકોને આ ત્રણ દિવસીય મેળાનો લાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે. “સશક્ત નારી મેળો” તાપી જિલ્લામાં મહિલા વિકાસ, આત્મનિર્ભરતા અને સ્વદેશી ગૌરવની નવી દિશા આપનાર બનશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *