સુરત મહાનગરની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક 313 માં સરદાર વંદના કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અખંડ ભારતનાં શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં નિર્વાણદિને શાળા સ્થાપનાનાં 150 વર્ષની ઉજવણી કરી રહેલી તાપી કિનારે વરિયાવમાં આવેલ કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક 313 માં સરદાર વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના 150 માં જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય ગુજરાત રાજ્ય અને શાળા ક્રમાંક 313 નાં સંયુક્ત ઉપક્રમે શાળાનાં વિધાર્થીઓને લોખંડી પુરૂષ વલ્લભભાઇનાં બાળપણનાં પ્રસંગો, સત્યાગ્રહો, આઝાદીની લડતનાં યોગદાન વિશેનાં પ્રસંગો આધારિત આચાર્ય અલ્પેશ પટેલ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પ્રયત્નશીલ સરદારનાં વિચારો બાળકોમાં આવે એ માટે શાળાનાં શિક્ષકોએ પણ સરદારને યાદ કર્યા હતાં અને એમનાં જીવનપ્રસંગો રજૂ કર્યા હતાં. સમન્વય ગૃપ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ સરદાર વંદના પુસ્તિકા બાળકોને આપવામાં આવી હતી. શાળાનાં બાળકોમાં સરદાર વિચારને આત્મસાત કરાવવા માટે આ પુસ્તિકામાં સમગ્ર રાજ્યનાં ગુરુજનો દ્વારા 565 જેટલાં પ્રશ્નોનું નિર્માણ કરેલ છે. આ પુસ્તિકાનાં આધારે વિદ્યાર્થીઓની લેખિત ક્વિઝ યોજવામાં આવશે. વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવશે. શાળા પરિવાર દ્રારા અડગ ઇચ્છાશક્તિ ધરાવતાં, સ્પષ્ટ વકતા, નીડર, રાષ્ટ્રપ્રેમી સરદાર સાહેબની પુણ્યતિથિએ અનોખી સ્મરણાંજલિ આપવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
