તાપી જિલ્લામાં ૧૬મી ડિસેમ્બરથી રવિ સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે શરૂ
સાત તાલુકાના ૪૬૯ ગામોમાં ૧.૨૦ લાખ હેક્ટર ખેતીલાયક જમીનને આવરી લેવાશે
—
ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયરો દ્વારા ૪૫ દિવસ સુધી ચાલશે સર્વેની કામગીરી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫ :- ભારત સરકાર દ્વારા પાક વાવેતરના રિયલ ટાઈમ ડેટા મેળવવાના આશયથી વિકસાવવામાં આવેલી એગ્રીસ્ટેક એપ્લિકેશન અંતર્ગત રવિ સીઝનના ડિજિટલ ક્રોપ સર્વે.નો પ્રારંભ તાપી જિલ્લામાં તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ મંગળવારથી કરાશે. આગામી ૪૫ દિવસ સુધી તાપી જિલ્લાના સાત તાલુકાના ૪૬૯ ગામોમાં કુલ ૧,૨૦,૭૮૯ હેક્ટર એગ્રીકલ્ચર જમીનમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરાશે.
આ સર્વે કામગીરી ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કરવામાં આવશે. તેનું એપ્રૂવલ ગામના તલાટી દ્વારા કરવામાં આવશે તેમજ સર્વેનું વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે. વાવેતરનો ડિજિટલ સર્વે થતા વાવેતરનો રિયલ ટાઈમ ડેટા સીધો ભારત સરકારને મળશે. જેના માધ્યમથી પાક વાવેતરની પરિસ્થિતિ, પાકનું નામ, સિંચાઈનો પ્રકાર વગેરેની માહિતી જાણી શકાશે.
સમગ્ર જિલ્લામાં પસંદગી કરવામાં આવેલા સર્વેયરો દ્વારા સર્વે નંબર ઉપર કયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, તેનો ડિજિટલ સર્વે કરવામાં આવશે. સર્વેયર દ્વારા મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી કયા સર્વે નંબરમાં કયા પાકનું વાવેતર કરાયું છે તેના ફોટો સાથેનો સર્વે કરવામાં આવશે.
ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત ગામના તમામ ખેતીલાયક સર્વે નંબરો માટે ડેટા એન્ટ્રી કરનાર સર્વેયરોને પ્રતિ સર્વે નંબર પ્રતિ પાક રૂ. ૧૦ મહેનતાણું ચૂકવવામાં આવશે. એકથી વધુ પાકના કિસ્સામાં પ્રતિ સર્વે નંબર વધુમાં વધુ રૂ. ૧૨ ચૂકવવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગમાં નિષ્ણાત અને રસ ધરાવતા વ્યક્તિઓને આ સર્વે કામગીરીમાં જોડાવા માટે તાલુકાની મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી અથવા જિલ્લાની નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), તાપીની કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીના માધ્યમથી જણાવાયું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
