સોનગઢ ખાતે ૧૧માં ગ્રામીણ ઓલમ્પિક ખેલ મહોત્સવ ૨૦૨૫ ને ખુલ્લો મુકતાં આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

Contact News Publisher

આદિવાસી સમાજના યુવા રમતવીરો શિક્ષણ સાથે રમતક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે – મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

ગ્રામીણ ઓલમ્પિક ખેલમહાકુંભ આસપાસના જિલ્લા સહિત રાજ્યના રમતવીરો માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યો છે – રમત રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓનું એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માન

પરંપરાગત રમતોમાં હાથ અજમાવી યુવા રમતવીરોનો ઉત્સાહ વધારતા મહાનુભાવો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. :- ગ્રામ્ય સ્તરે ખેલ પ્રતિભાને યોગ્ય મંચ આપવાના ઉમદા આશય સાથે રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે સોનગઢ ખાતે યુવા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૧માં ગ્રામીણ ઓલમ્પિક ખેલ મહોત્સવ ૨૦૨૫ ને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, આદિવાસી સમાજના રમતવીરો પણ આજે શિક્ષણની સાથે રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ જેવા મંચ પ્રદાન કરીને યુવા પ્રતિભાને પ્રતિબિંબિત કરી છે. ત્યારે આજની યુવાપેઢીએ કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, ગીલોલ, વોલીબોલ, ક્રિકેટ, આર્ચરી સહિતની પરંપરાગત રમતોમાં રસ દાખવીને પોતાની સંસ્કૃતિ અને રમત પરંપરાની જાળવણી કરે તે અત્યંત જરૂરી છે.

આ પ્રસંગે રાજ્યના રમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, ૧૧માં વર્ષમાં પ્રવેશેલા ગ્રામીણ ખેલમહાકુંભ રાજ્યના રમતવીરો માટે એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે. આ ખેલ મહોત્સવના માધ્યમથી આસપાસના જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ ખેલાડીઓ ભાગ લઈ પોતાની રમત પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યા છે, જે ગુજરાતને રમતગમતના વિકાસની દિશામાં અગ્રેસર બનાવશે.

વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા રમતગમતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે ખેલ મહાકુંભ અને રમતલક્ષી યોજનાઓનો લાભ રમતવીરો સુધી પહોંચે અને રમતવીરો યોજનાઓનો મહત્તમ લાભ લઈ પોતાની ક્ષમતાઓનો વિકાસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તાપી સહીત રાજ્યનું ગૌરવ વધારે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે યુવાનોમાં જુસ્સો અપાવવા પોતે મેદાનમાં ઉતરીને પરંપરાગત રમત ગીલોલ અને તીરંદાજી સહિતની વિવિધ રમતો રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીશ્રીની આ સહભાગીતાએ ગ્રામીણ ખેલપ્રતિભાઓને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

ખાસ કરીને તિરંદાજીએ સ્થાનિક ખેલપ્રેમીઓમાં આકર્ષણ જમાવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં સ્પોર્ટ્સ સ્પિરિટ અને તંદુરસ્તીની ભાવના વધારવાનો છે. તિરંદાજી સહિતની રમતોમાં વિજેતા જાહેર થયેલા રમતવીરોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા કલેકટર ડૉ વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, સુમુલ ચેરમેનશ્રી માનસિંગભાઈ પટેલ, શ્રાવણીયા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, વિવિધ રમત કોચ, ખેલ નિષ્ણાંતો, રમતવીરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *