તાપી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. :- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ, જરૂરી સમારકામ અને સ્વચ્છતા અંગે કલેક્ટર ડો. વિપીન ગર્ગે સંબંધિત વિભાગના અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા. આ તકે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં વાલોડ ખાતે આવેલા હનુમાનજી મંદિર, મહાદેવ મંદિર અને ગણેશ મંદિરના વિકાસ, ઉકાઈ ડેમ અને ડોસવાડા ડેમ તથા તેના પરિસરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, સમારકામ તેમજ સુવિધામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ડોસવાડા ડેમ પરિસરના સમારકામ માટે મંજૂરી આપવા સહિત ત્યાં ગજેબો, શૌચાલય અને કેન્ટીન જેવી સુવિધાઓનું નિર્માણ અંગે ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત સોનગઢ કિલ્લાને પણ પ્રવાસનની દ્રષ્ટિએ ઉત્તમ રીતે વિકાસવવા તેમજ ત્યાની સુવિધાઓમાં વધારો કરવા અંગે ચર્ચા કરાઈ હતી. જિલ્લા પ્રવાસન સમિતિ તરફથી મંદિરો અને અન્ય પ્રવાસન સ્થળોના વિકાસ માટેની દરખાસ્તો તેમજ સોનગઢ તાલુકાના કાવલાના કંસરી માતા, ઉકાઈના ખેરવાડા ગામે સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, ડોલવણ તાલુકામાં ચાંદસૂર્યા મંદિર, કાળાકાકર ડુંગર અને કવડિયા ડુંગરને પ્રવાસન તથા યાત્રા ધામ તરીકે વિકસાવવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

સોનગઢ તાલુકામાં આવેલા ચિમેર ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, ડોલવણ તાલુકામાં ઇકો ટુરિઝમ પદમડુંગરીના નવીનિકરણ માટેની દરખાસ્ત, સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં દેવજીપુરા ખાતે સોનગઢ કિલ્લા તળેટીમાં તળાવ અને આસપાસના પરિસરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, તેમજ વ્યારામાં તાડકુવા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિરને યાત્રા ધામ તરીકે વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં અગાઉ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અભિયાનને અસરકારક બનાવવા અંગેની ચર્ચા અનુસાર, અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને ત્યાંની ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ઉપલબ્ધ સુવિધાઓ અંગેની વિગતોનો ચિતાર કલેક્ટરશ્રી ડો. ગર્ગ સમક્ષ રજૂ કર્યો હતો.

આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિત પ્રવાસન નિગમના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *