તાપી જિલ્લામાં પ્રવાસન-યાત્રાધામ વિસ્તારોમાં ફૂડ સેફટી વિભાગનું વિશેષ ચકાસણી અભિયાન
છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧૪૫ ખાદ્યચીજોના નમૂનાઓ લેવાયા, ૫૧ નવા લાઇસન્સ/રજીસ્ટ્રેશન જારી કરાયા :-તમામ વેપારીઓને ફરજિયાત લાઇસન્સ રાખવા અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12. તાપી જિલ્લાના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત થાય તે હેતુથી ફૂડ સેફટી વિભાગ દ્વારા વિશાળ સ્તરે તપાસ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કચેરીના ફૂડ સેફટી ઓફિસર તથા ફૂડ સેફટી ઓન વ્હીલ્સni (FSW) ટીમ દ્વારા આબાપાણી ઇકો ટૂરીઝમ, પદમડુંગરી, ગોવાળદેવ મંદિર, ડોસવાડા ડેમ, દેવલીમાડી, ગુસમાઈમાડી મંદિર, રામચંદ્રજી મંદિર, બિલ્કેશ્વર મહાદેવ મંદિર–બુહારી, બુહારી તળાવ, કદમેશ્વર મહાદેવ મંદિર–બાલપુર, થુંટી,સેલુડ, નાનછલામ(મિનિ ગોવા), ચિમેર ધોધ, ગૌમુખ મહાદેવ તથા સોનગઢ કિલ્લા સહિતના સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી.
આ વિસ્તારોમાં આવેલી દુકાનો, લારીઓ, ગલ્લા તથા ફેરિયાઓ દ્વારા વેચાતા ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ તપાસ કરી હાઇજીનિક સ્થિતિ, ગુણવત્તા તથા સલામતી ધોરણ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ લાઇસન્સ/રજીસ્ટ્રેશન મેળવવું અનિવાર્ય હોવાની માહિતી વેપારીઓને આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, ફૂડ સેફટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧૪૫ ખાદ્યચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા તેમજ ૫૧ નવા ફૂડ લાઇસન્સ/રજીસ્ટ્રેશન્સ જારી કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખાદ્ય વ્યવસાય કરતા તમામ વેપારીઓને જરૂરી ફરજીયાત લાઇસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા અનુરોધ કરાયો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
