કુકરમુંડા ખાતે રૂ. ૨.૨૩ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

Contact News Publisher

બોર્ડર વિલેજના ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા – મંત્રી ડૉ. ગામીત

મંત્રીશ્રીના હસ્તે ૧૨ ગ્રામ પંચાયતોને વોટર ટેન્કરનું વિતરણ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂતો-ગ્રામજનોની રજૂઆતો સાંભળી

કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડો, બોક્સ કલવર્ટ, સ્મશાન ગૃહનું ખાતમુહૂર્ત*

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૧ :- રમતગમત, યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ગુરુવારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તેવા ઉમદા આશય સાથે કુલ રૂ. ૨.૨૩ કરોડના ખર્ચે ૧૦ જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આજે કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડો, બોક્સ કલવર્ટ, કુકરમુંડા ગામે તાપી નદી કિનારે સ્મશાન ગૃહના ખાતમુહૂર્તની સાથે જ પાંચ ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કર્યું છે. બોર્ડર વિલેજના ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા છે.

આ તકે તેમણે ઉમેર્યું કે, કુકરમુંડા તાલુકો ખેતી અને પશુપાલનની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રેસર બન્યો છે. અહીંની પ્રજાના પ્રશ્નોનું ઝડપી અને કાયમી નિરાકરણ લાવવા સરકાર સતત પ્રયાસરત છે.

મંત્રીશ્રીએ કુકરમુંડા ગામે રૂ. ૧૫ લાખના ખર્ચે કુકરમુંડા ગામે તાપી નદી કિનારે સ્મશાન ગૃહ તથા કોરાલા ગામે રૂ. ૫૮.૨૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળામાં ત્રણ નવા વર્ગખંડોનું શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ કંડ્રોજ ખાતે ૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર શાળાના ઓરડાના ભૂમિપૂજન દરમિયાન મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો.

ઉપરાંત, મટાવલ ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા વચ્ચે રૂ. ૩૪.૬૦ લાખ તથા આશ્રવા ગામે ઉડવા પાસે રૂ. ૮૦ લાખના ખર્ચે બોક્સ કલવર્ટનું પણ મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કુકરમુંડાના પ્રવાસ દરમિયાન તેમણે, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કુકરમુંડાના સભાખંડમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનો સાથેની બેઠક દરમિયાન મંત્રીશ્રીએ તમામની રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનથી સાંભળી હતી. અહીં તેમણે, ફૂલવાડી, મટાવલ, ચીરમટી, ચોખી આમોલી સહિત ગામના સરપંચશ્રીઓને ધારાસભ્યની ગ્રાન્ટ ૨૦૨૪-૨૫ હેઠળ કુલ ૧૨ ગ્રામ પંચાયતો માટે વોટર ટેન્કર ફાળવી હતી.

આ ઉપરાંત મંત્રીશ્રી ડૉ. ગામીતના હસ્તે કુકરમુંડા, બેજ, વેશગામ, બાલંબા અને ઝરીબેડા ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું રિબીન કાપીને લોકાર્પણ કરાયું હતું.

મંત્રીશ્રીની કુકરમુંડાની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્યશ્રી વર્ષાબેન પાડવી, બાંધકામ સમિતિ અધ્યક્ષશ્રી રાહુલભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમરસિંગભાઈ પાડવી, કુકરમુંડા સરપંચશ્રી ગજેન્દ્રભાઈ પાડવી, સ્થાનિક હોદ્દેદારો-આગેવાનો, જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મીઓ, સરપંચો, તલાટી કમ મંત્રીઓ, ખેડૂતો, વેપારીઓ, બાળકો, ગ્રામજનો જોડાયા હતાં.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *