તાપી જિલ્લામાં યોજાયેલ યોગ શિબિરનું સમાપન
સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં ધરે ધરે યોગથી સ્વસ્થ સમાજના નિર્માણ કરશે : યોગ બોર્ડ ચેરમેન શિશપાલજી
૦૦૦૦૦
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર રાજ્ય અને દેશને યોગમય અને સ્વસ્થ બનાવવાની નેમ સાથે તાપી જિલ્લાને પણ આ અભિયાનમાં સમાવેશ કરવા માટે વ્યારામાં એક અત્યંત સફળ અને સુઆયોજિત યોગ શિબિર તેમજ કાર્યકર્તા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને મેદસ્વિતા ઘટાડવા માટેના આહાર અને યોગાભ્યાસ પર ભાર મૂકવાનો હતો. આજે રવિવારે શિબિરના બીજા દિવસે સહભાગીઓને આસન, પ્રાણાયામ અને ધ્યાનની ઝીણવટભરી તાલીમ આપવામાં આવી, સાથે જ તેમને સ્વદેશી જીવનશૈલી અપનાવવા માટે ખાસ પ્રેરણા આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકોને યોગના ઊંડાણપૂર્વક અભ્યાસ દ્વારા યોગ ટ્રેનર બનવા માટે વિશેષ આહ્વાન કરવામાં આવ્યું. આ સાથે બે દિવસીય શિબિરની પૂર્ણાહુતિ થઈ હતી.
આ કાર્યક્રમનું ગૌરવવંતુ પાસું તાપી જિલ્લાની પ્રતિભાશાળી દીકરી કુમારી નેન્સી સંજયભાઈ ચૌધરીનું વિશેષ સન્માન હતું. કુ. નેન્સીએ તાજેતરમાં ઓડિશામાં યોજાયેલી EMRS ખાતે National Meet સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. યોગ બોર્ડ દ્વારા તેમને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેણીએ પ્રેક્ષકો સમક્ષ આર્ટિસ્ટિક યોગાનું અદભૂત પ્રદર્શન પણ રજૂ કર્યું, જે સૌ માટે પ્રેરણાસ્રોત બન્યું હતું.
યોગ શિબિરના સમાપન બાદ યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી ના અધ્યક્ષ સ્થાને યોગ કાર્યકર્તાઓ સાથે જિલ્લા પંચાયત હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના કોચ અને યોગ ટ્રેનરો દ્વારા યોગ પ્રચાર-પ્રસારમાં કરવામાં આવેલા ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કાર્ય બદલ તેમની સરાહના કરવામાં આવી હતી. તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાના કોઓર્ડીનેટર જ્યોતિબેન મહાલે દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે આ સફળ આયોજન માટે શિશપાલજી, વહીવટી તંત્ર, નગરપાલિકા, તેમની સમગ્ર ટીમ અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા કોઓર્ડીનેટરોના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કાર્યક્રમ તાપી જિલ્લામાં યોગ પ્રત્યેની જાગૃતિને એક નવી ઊંચાઈ પર લઈ ગયો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
