સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન યોજનાની ભૌતિક કામગીરી પૂર્ણ : મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે સિંચાઈ યોજનાનું નિરીક્ષણ કર્યું
તાપી જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં પાણીની અછત કાયમી દૂર કરવા માટે રૂ.૯૬૨ કરોડના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તાર માટેની મહત્ત્વાકાંક્ષી સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાનું કાર્ય અંતિમ તબક્કામાં છે. આ યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી, પાણી પુરવઠા અને જળ સંપતિ (સ્વતંત્ર હાવાલો) ઈશ્વરભાઈ પટેલે તાજેતરમાં સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. રૂ. ૯૬૨ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજનાની ભૌતિક અને નાણાંકીય કામગીરી પૂર્ણતાના આરે છે.
ઉકાઈ જળાશય આધારિત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી પાણીની કાયમી અછત દૂર કરવાનો છે. આ યોજના થકી તાપી જિલ્લાના કુલ ૧૩૬ ગામોની અંદાજિત ૨૭,૯૭૨ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે, જેનાથી આ તમામ વિસ્તારોના ૧૪,૧૭૦ ખેડૂત કુટુંબોને સીધો ફાયદો થશે. આ યોજના હેઠળ ૪૦૪ હયાત ચેકડેમોને સિંચાઈ થકી ભરવામાં આવશે.
મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે યોજનાના મુખ્ય પંમ્પિંગ સ્ટેશનો અને પાઇપલાઇનના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે યોજના પૂર્ણ થતા ખેડૂતોની ખૂબ પ્રગતિ થશે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.
યોજનામાં સ્થાપિત પાંચેય પંમ્પિંગ સ્ટેશનો ભીમપુરા, ચાંપાવાડી, સેલુડ, નારણપુરા, અને નેવાલે પરના સીવીલ વર્ક, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કામગીરી પણ પૂર્ણ થવા આવી છે. જ્યારે વીજ ઉત્પાદન એજન્સીઓ દ્વારા મોટા ભાગના પંમ્પિંગ સ્ટેશનો પર પાવર કનેક્શનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યોજના તાપી જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અને કૃષિ ઉત્પાદકતા વધારવામાં નિર્ણાયક સાબિત થશે. બાકી રહેલી તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
