‘વિકસિત ગુજરાત 2047’ થીમ સાથે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવાં વિવિધ કૌશલ્યનાં વિકાસનાં ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા કલાઉત્સવનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ‘વિકસિત ગુજરાત 2047’ હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનાં કલા ઉત્સવનું આયોજન અત્રેની પરીયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધકોને આવકારી તેમની સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી. તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી ગુજરાતની ધરતીને ગૌરવવંતી બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ, ગામનાં સરપંચ અનિરૂધ્ધભાઈ ગોહિલ, દાતા કિરીટભાઈ દેસાઈ તથા વિવિધ શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભવોએ પોતાનાં વક્તવ્યમાં સ્પર્ધક બાળકોની ક્ષમતા અને સિદ્ધિને બિરદાવી સૌને શુભેચ્છા પાઠવી હતી.
નિર્ણાયકોનાં મૂલ્યાંકનનાં અંતે પરિણામો ઘોષિત કરવામાં આવ્યા હતાં જે આ મુજબ છે. ચિત્ર સ્પર્ધા: પ્રથમ – પ્રેમ પાટીલ (અસ્નાબાદ પ્રાથમિક શાળા), બાળકવિ સ્પર્ધા: પ્રથમ – ક્રિશા મોચી (અસ્નાબાદ પ્રાથમિક શાળા), ગાયન સ્પર્ધા: પ્રથમ – ભક્તિ રાઠોડ (કુદિયાણા પ્રાથમિક શાળા), વાદન સ્પર્ધા: પ્રથમ – નક્ષ પટેલ (લવાછા પ્રાથમિક શાળા). આ તકે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે વિજેતા બાળકોને ટ્રોફી, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમન સફળ બનાવવા સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ યજમાન શાળાનાં આચાર્ય શિરીષભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોલા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક સુરેશભાઈ પટેલે કર્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
