તાપી જિલ્લના સરપંચશ્રી રિપીન ગામીતની રીલથી રીયલ બદલાવ સુધીની પ્રેરણાદાયક સફર
મુખ્યમંત્રીશ્રી તરફથી ‘રીલ સરપંચ’ રીપીન ગામીતને મળ્યો અભિનંદન પત્ર
–
‘રીલથી રીયલ બદલાવ’ સર્જનાર યુવા સરપંચને મુખ્યમંત્રીશ્રીનાં અભિનંદન
તાપી જિલ્લાના માહિતી ખાતાના માર્ગદર્શનથી સફળતા સુધીની સફર
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 02. વ્યારા તાલુકાનું નાનકડું પરંતુ વિકાસપ્રેમી ગામ ચિખલદા આજે તાપી જિલ્લાના ગૌરવનું કેન્દ્ર બની ગયું છે. ગામના યુવા, ઉર્જાવાન અને ટેક્નોલોજીપ્રેમી સરપંચ શ્રી રીપીન ગામીતને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલો અભિનંદન પત્ર માત્ર એક સન્માન નથી, પરંતુ ગ્રામ્ય નેતૃત્વ, નવોત્થાન અને ડિજિટલ સુશાસનનું જીવંત પ્રમાણ છે.આ પ્રસંગે રીપીન ગામીતે વિનમ્રતા દર્શાવતા જણાવ્યું કે,મારા દરેક પ્રયાસ પાછળ તાપી જિલ્લાના માહિતી ખાતાનો મહત્ત્વપૂર્ણ સહકાર છે. ખાસ કરીને સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલના માર્ગદર્શન વગર આટલા ટૂંક સમયમાં લોકપ્રિય બનવું શક્ય નહોતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે પહેલાં તેમના ચાર હજાર જેટલા ફૉલોઅર્સ હતા, પરંતુ માહિતી ખાતાના સહયોગ બાદ તેમની લોકપ્રિયતા અને ફૉલોઅર્સ અનેક ગણાં વધી ગયા.આથી જ તેમણે આ સન્માન પત્ર સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલના હસ્તે સ્વીકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને આજે તે પ્રાપ્ત કરવાથી તેમને “વાસ્તવિક ગૌરવ અને સંતોષની લાગણી” અનુભવી.નોંધનીય છે છે કે,ચિખલદા ગામના સરપંચે સોશિયલ મીડિયામાં ખાસ કરીને રીલ જેવા યુવા-મૈત્રીપૂર્ણ માધ્યમનો પ્રભાવશાળી ઉપયોગ કર્યો છે.
તેમણે ખેતી, બાગાયત, મહિલા સુરક્ષા-કલ્યાણ, યુવાનોની રોજગાર/સ્કોલરશિપ યોજનાઓ, ગ્રામ વિકાસ તથા પંચાયતી સેવાઓ જેવી મહત્વની માહિતી સરળ ભાષા, ઝડપી શૈલી અને વિશ્વસનીય રીતે લાખો લોકો સુધી પહોંચાડી છે.
આ ડિજિટલ પહેલથી માત્ર ચિખલદા નહીં, પરંતુ સમગ્ર તાપી જિલ્લાના ડિજિટલ પ્રોફાઇલને નવી ઓળખ મળી છે. મુખ્યમંત્રીશ્રીએ પોતાના અભિનંદન પત્રમાં રીપીન ગામીતની પ્રશંસા કરતાં લખ્યું છે કે “ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી સરકારની યોજનાઓને લોકકલ્યાણ માટે પહોંચાડવાનો આપનો પ્રયાસ વંદનીય છે. આપના આ પ્રયોગથી આપ ‘રીલ સરપંચ’ તરીકે ઓળખાવા લાગ્યા છો અને ગ્રામજનોના જીવનમાં રીયલ બદલાવ લાવી રહ્યા છો જે અત્યંત પ્રશંસનીય છે. આવું જ કાર્ય ચાલુ રાખી ગ્રામજીવનને વધુ સુખી અને સમૃદ્ધ બનાવો.”
આ શબ્દો માત્ર પ્રશંસા નથી,પરંતુ યુવાઓ અને નવોત્થાનભર્યા નેતાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.આ પહેલથી સાબિત થયું છે કે જ્યારે એક યુવા નેતા ટેકનોલોજી, પારદર્શિતા અને સેવાભાવ સાથે કામ કરે,ત્યારે નાનું ગામ પણ રાજ્યના વિકાસના નકશા પર “ખાસ અને અનોખું સ્થાન” મેળવી શકે છે.
ચિખલદા ગામ આજે માત્ર વાઈરલ નથી પરંતુ સશક્ત અને પ્રેરણાદાયી મોડેલ બની ગયું છે. રીપીન ગામીતના આ પ્રયાસે આજુબાજુની અન્ય પંચાયતોને પણ એક નવી દિશા આપી છે
સાથે ડિજિટલ માહિતી, જનજાગૃતિ અને વિકાસની ગતિને નવી ઊંચાઈ આપી છે. ચિખલદા ગામ, વ્યારા તાલુકો અને સમગ્ર તાપી જિલ્લો રીપીન ગામીતના યોગદાન પર ગર્વ અનુભવે છે.આ તકે ગુજરાત સરકાર અને તાપી જિલ્લા પરિવાર તરફથી તેમને આગામી પ્રયત્નોમાં સતત સફળતા અને વિકાસની શુભેચ્છાઓ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
