₹ 11.30 કરોડનાં માતબર ખર્ચે નિર્માણ પામનાર ઓલપાડ તાલુકાની 12 ગામોની શાળાઓનાં 54 નવીન ઓરડાઓનું ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં વિસ્તારનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં વરદ હસ્તે શાળાની નિર્માણ પામનાર નવીન ઈમારતની ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. જેની સાથોસાથ તાલુકાનાં અન્ય ગામો ભાદોલ, વેલુક, સેગવાછામા, સોંદલાખારા, કુંકણી, ઓરમા, બરબોધન, માસમા, કોસમ, દિહેણ તથા વડોલીની પ્રાથમિક શાળા મળી રૂપિયા 11.30 કરોડનાં કુલ 54 નવીન ઓરડાનાં નિર્માણ માટેનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગનાં સમગ્ર શિક્ષા અંતર્ગત નિર્માણ પામનાર આ નવીન ઓરડાઓનાં ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ તકે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી શાળાઓની માળખાગત સુવિધાઓ માટે સરકારશ્રીની તત્પરતા અંગે ગ્રામજનોને અવગત કર્યા હતાં.
કાર્યક્રમનાં અધ્યક્ષ એવાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત ખાતમુહૂર્ત વિધિ બાદ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની અદ્યતન ઉપલબ્ધ સુવિધાઓ સહિત વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓની છણાવટ કરી હતી. તેમણે તાલુકાનાં શિક્ષકોની કામગીરીને બિરદાવી સૌને પોતાનાં બાઘકોને સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા અનુરોધ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ઓલપાડ ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, મહામંત્રી સુનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય કરિશ્માબેન રાઠોડ, સીતાબેન રાઠોડ, અશોકભાઈ રાઠોડ, મીનાબેન રાઠોડ, કરસનભાઈ ઢોડિયા, ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, ન્યાય સમિતિનાં અધ્યક્ષ લાલુભાઈ પાઠક, શાસક પક્ષનાં નેતા જિજ્ઞેશભાઈ પટેલ, દંડક કિશોરભાઈ રાઠોડ સહિત વિવિધ ગામોનાં સરપંચો, પ્રાથમિક શાળાનાં આચાર્યો, શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક ગામનાં સરપંચ જયેશભાઈ પટેલ સહિત કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *