આવતીકાલે વ્યારા અને સોનગઢ ખાતે “જનજાતિ ગૌરવ દિવસ” ની શાનદાર ઉજવણી : રાજ્ય મંત્રીશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે
ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતિને સમર્પિત ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની સાથે તાપીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
*****
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા “જનજાતિ ગૌરવ દિવસ” ના અવસર પર તાપી જિલ્લામાં વિધાનસભા દીઠ બે મુખ્ય સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ગુજરાત સરકારના મંત્રીશ્રી, બોર્ડના ચેરમેનશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહી જનજાતિ ગૌરવને વધાવશે.
મહાન જનજાતિ સેનાની અને ધરતી આબા ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતિને સમર્પિત “જનજાતિ ગૌરવ દિવસ” ના પાવન અવસરે, સમગ્ર રાષ્ટ્રની સાથે તાપી જિલ્લામાં પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસ જનજાતિ સમુદાયના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે ઉજવવામાં આવે છે.
કાર્યક્રમની વિગતો મુજબ, ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારનો મુખ્ય કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણપથ વિદ્યાલય ખાતે તા. ૧૫/૧૧/૨૦૨૫ના રોજ બપોરે ૧ કલાકે યોજાશે. આ કાર્યક્રમનું ગૌરવપૂર્ણ અધ્યક્ષસ્થાન ગુજરાત સરકારના ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર શોભાવશે. આ અવસરે, વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
તેવી જ રીતે, ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ સોનગઢની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે તા. ૧૫/૧૧/૨૦૨૫ના રોજ બપોરે ૧ કલાકે “ઉજવવામાં આવશે. સોનગઢ ખાતે આયોજિત આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂત કરશે. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોષી તથા બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે.
આ બંને કાર્યક્રમોમાં મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્દબોધન, સ્થાનિક આદિવાસી કલા અને સંસ્કૃતિને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જનજાતિ સમુદાયના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બંને કાર્યક્રમોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ જનજાતિ સમુદાયના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા, તેમની સમૃદ્ધ પરંપરાઓનું જતન કરવું અને નવી પેઢીને તેનાથી અવગત કરાવવાનો છે. વ્યારા અને સોનગઢ ખાતેના આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીને સફળ બનાવવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
