ઓલપાડની કરંજ પ્રાથમિક શાળાનાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ મધ્યાહન ભોજન સંચાલક જગજીવનભાઈ પરસોત્તમભાઈ પટેલની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમનાં પરિવારજનો તરફથી શાળા તથા આંગણવાડીનાં તમામ બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે જ પ્રત્યેક બાળકને સ્મૃતિરૂપે શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે શાળાનાં આચાર્ય જાગૃતિબેન પટેલે સ્વ. જગજીવનભાઈનાં શાંત, સૌમ્ય અને મૃદુ સ્વભાવ સહિત તેમની શાળા પ્રતિની નિ:સ્વાર્થ ઉમદા ભાવનાને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. પિતાજીનાં મોક્ષાર્થે તેમનાં દીકરા ભવ્યેશ, દીકરીઓ આશા, ચેતના તથા રેશ્માએ ખડેપગે રહીને બાળકોને દાળ, ભાત, શાક, પુરી, ખમણ તથા મિષ્ટાન્ન સહિતનું સાત્ત્વિક ભોજન ભાવપૂર્વક પીરસ્યું હતું. શાળાનાં આચાર્યા સહિત ઉપશિક્ષકો એવાં મિનાક્ષી પટેલ, નિલેશ પટેલ, પારૂલ પટેલ, પ્રેક્ષા પટેલ તથા યશુમતિ પટેલે સ્વર્ગસ્થનાં ધર્મપત્ની સુમનબેનને સાંત્વના પાઠવી બાળકો વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
