તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ’નું સોનગઢ ખાતે આયોજન : ખેડૂતોને નિમંત્રણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨. રાજ્ય સરકાર દ્વારા તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ ખાતે તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર, તાપી દ્વારા આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રવિ સિઝનના પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
તા. ૧૪-૧૦-૨૦૨૫ને કૃષિ વિકાસ દિન તરીકે ઊજવીને સવારે ૮:૩૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાશે. જેમાં ખેતી અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિઓ, જમીન સ્વાસ્થ્ય અને પાણી વ્યવસ્થાપન પર માર્ગદર્શન આપવામાં આવશે.
તા. ૧૫-૧૦-૨૦૨૫: સવારે ૮:૩૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરવામાં આવનારું છે.
ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓના લાભનું વિતરણ, પશુ આરોગ્ય મેળો, કૃષિ પ્રદર્શનો અને કૃષિ વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાપીના પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા અને મામલતદાર સોનગઢ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.
તાપી જિલ્લાના તમામ પ્રગતિશીલ અને રસ ધરાવતા ખેડૂત ભાઈઓ-બહેનોને આ બે દિવસીય જ્ઞાનવર્ધક મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો અને સોનગઢ તાલુકાના રસ ધરાવતા વ્યક્તિઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
