મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં રૂ.૩.૨૨ કરોડના કુલ ૪૬ વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Contact News Publisher

૨૮૪ આદિ સેવા કેન્દ્રો દ્વારા ગામડાના નાગરિકોને સરકારી સેવાઓનો સીધો લાભ મળશે: મંત્રીશ્રી હળપતિ

આદિ કર્મયોગી અભિયાન દ્વારા આત્મનિર્ભર અને સમૃદ્ધ આદિવાસી સમાજનું સ્વપ્ન સાકાર થશે– મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

સોનગઢ ખાતે ૨૪૦ લાભાર્થીઓને વિવિધ યોજનકીય લાભોનું વિતરણ કરાયું

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૨૦ સપ્ટેમ્બર,  જનજાતિ ગૌરવ વર્ષ-૨૦૨૫ ઉજવણીના ભાગરૂપે આદિસેવા અભિયાન અંતર્ગત આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ સ્થિત અટલ બિહારી વાજપાઇ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં રૂ. ૩.૨૨ કરોડના ૪૬ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ૭ તાલુકાના ૨૮૪ જેટલા આદિસેવા કેન્દ્રોનુ ઇ-લોકાર્પણ તથા ૨૦૩ આદિજાતિ ખેડુતોને વન અધિકારપત્રો તેમજ સાથે ૨૨ લાભાર્થીઓને દવા છંટકાવ પંપ અને ૧૫ લાભાર્થીઓને બકરા એકમ, ટ્રેક્ટર અને રોટાવેટર મશીન જેવી સહાય મળી કુલ ૨૪૦ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સીધો લાભ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ગામડાના આદિવાસી ભાઈ-બહેનોને હવે જિલ્લા કે તાલુકા સુધી જવાની જરૂર નહીં રહે. આજે ૨૮૪ જેટલા આદિ સેવા કેન્દ્રને ખુલ્લા મુકાયા છે જેના મારફતે સરકાર ની વિવિધ સેવાઓ સીધી ગામના દરવાજે જ મળશે. આ આદિસેવા અભિયાનથી ૨૦૩૦ સુધી આત્મનિર્ભર આદિવાસી સમાજનું સ્વપ્ન સાકાર થશે.

આજે વન અધિકાર પત્રો, દવા પંપ તથા ખેતી સાધનો જેવી સહાયથી ૨૪૦ લાભાર્થીઓને સીધો લાભ મળ્યો છે. ત્યારે રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે કે, આદિવાસી સમુદાયના પ્રત્યેક માનવી સુધી સરકારની તમામ યોજનાઓ અને સહાય પહોંચે અને તેઓ આત્મનિર્ભર બને.

વધુમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ આદિવાસી યુવાનો, મહિલા મંડળો અને સ્વસહાય જૂથોને અનુરોધ કર્યો હતો કે,તેઓ “આદિ સાથી” અને “આદિ સહયોગી” તરીકે જોડાઈ સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપે.

કાર્યક્રમ અંતર્ગત કુલ ૦૭ વિકાસ કામોનો લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા.જેમાંથી ૦૭ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે માટે રૂ.૧૨.૮૦ લાખનો ખર્ચ થયો છે. જ્યારે કુલ ૩૯ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેમાં ડામર રસ્તા,સબસ્ટેશન બાદકામ, પેવર બ્લોક્સ, નાળા-ગટર લાઇન તથા શાળાઓમાં મધ્યાહન ભોજન શેડના કામોનો સમાવેશ થાય છે. આ કામો માટે કુલ રૂ.૩૦૬.૧૧ લાખનોખર્ચ નિર્ધારિત થયો છે. આમ કુલ ૩૯ કામો માટે રૂ. ૩૨૧.૯૧ લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અભિયાન અંતર્ગત જિલ્લામાં ૨૮૪ જેટલા આદિ સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે જેનું પણ મંત્રીશ્રીના હસ્તે ઈ લોકાર્પણ કરી ખુલ્લા મુકાયા હતા. આ કેન્દ્રો મારફતે આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પોષણ અને શાસન સંબંધિત તમામ સેવાઓ ગામના દરવાજે જ ઉપલબ્ધ થશે. આથી આદિવાસી ભાઈ-બહેનોને હવે જિલ્લા કે તાલુકા સુધી જવાની જરૂર નહીં રહે અને સમય, ખર્ચ તથા પરેશાનીમાં ઘટાડો થશે એમ મંત્રીશ્રી ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, ભગવાન બિરસામુંડાની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ (૧૫ નવેમ્બર ૨૦૨૪ થી ૧૫ નવેમ્બર ૨૦૨૫) અંતર્ગત ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા દેશવ્યાપી આદિ કર્મયોગી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ નિર્માણ માટેનું સૌથી મોટું જનઆંદોલન છે.

ગુજરાત રાજ્યમાં આ અભિયાન ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામોમાં અમલમાં મૂકાયું છે, જેમાં તાપી જિલ્લાના ૭ તાલુકાના ૩૬૯ ગામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત, જિલ્લા સમાહર્તા ડો.વિપિન ગર્ગ,નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, પ્રાયોજના વહિવટદાર જયંતસિંહ રાઠોર,પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા સહિત અન્ય હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *