નમો કે નામ રક્તદાન: રક્તદાન કરી માનવતા મહેંકાવવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જાહેર અપીલ
મહા રક્તદાન કેમ્પને સફળતા બક્ષવા દરેક તાલુકા ઘટક સંઘની તડામાર તૈયારી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડાપધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને અનુલક્ષીને રાજ્યનાં તમામ કર્મચારી મંડળો દ્વારા આવતી તા.16 સપ્ટેમ્બરનાં રોજ વિવિધ સ્થળોએ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ સંયુક્ત મોરચો, સુરત દ્રારા પણ નિર્ધારિત એક લાખ જેટલી બોટલ રક્ત એકત્ર કરવાનાં યજ્ઞકાર્યમાં સહભાગી થવા સંકલ્પ કરેલ છે જેની જરૂરી પૂર્વ તૈયારીઓ દરેક તાલુકા ઘટક સંઘ દ્રારા પૂર્ણ કરવામાં આવેલ છે.
આ મહા રક્તદાન કેમ્પ બાબતે વધુ માહિતિ આપતાં સંયુક્ત કર્મચારી મોરચો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, સુરતનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને યાદગાર બનાવવા યોજાનાર સદર કેમ્પને અપેક્ષિત પ્રતિસાદ સાંપડી રહ્યો છે જે આનંદની વાત છે. તેમણે ઉમેર્યુ હતું કે આ કેમ્પને સફળતાપૂર્વક પાર પાડવા સમગ્ર જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનો જહેમત ઉઠાવી રહ્યાં છે તે નોંધનીય બાબત છે.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આપેલ મહા રક્તદાન કેમ્પનાં તાલુકાવાર સ્થળોની માહિતી નીચે મુજબ છે. બારડોલી: સરદાર હોસ્પિટલ, માંડવી: સામુહિક આરોગ્ય કેન્દ્ર (સંપર્ક- વિજયભાઈ ૯૮૭૯૩ ૧૬૨૨૩), ઓલપાડ: ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા આરોગ્ય અને કીમ પ્રાથમિક શાળા, ચોર્યાસી: સેવા સમાજ હોલ, કવાસ (સંપર્ક- ડી.કે. ઠાકુર ૯૮૭૯૩ ૨૧૧૭૨), મહુવા: આશ્રમ શાળા, પુના (સંપર્ક: નિર્જલાબેન ૯૫૧૨૫ ૯૬૬૨૯), પલસાણા: સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કામરેજ: સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સંપર્ક- નિતેશભાઈ ૯૮૨૫૧ ૩૮૧૧૩), ઉમરપાડા: સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સંપર્ક- સંજયભાઈ ८८૭૪૨ ૪૨૧૪૦), માંગરોલ: સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સંપર્ક- ચેતનભાઈ શાહ ૯૦૯૭૦ ૯૯૩૭૧). તેમનાં જણાવ્યા અનુસાર સદર કેમ્પમાં બારડોલીની સરદાર હોસ્પિટલ, સુરતની સ્મીમેર હોસ્પિટલ અને ન્યૂ સિવિલ હોસ્પિટલ સહિત સુરત રક્તદાન કેન્દ્ર, લોક સમર્પણ કેન્દ્ર તથા સરદાર બ્લડ બેંક રક્તદાન એકત્રિત કરી જરૂરી સહયોગ આપશે. શિક્ષકો ઉપરાંત જિલ્લાનાં તમામ જાગૃત ભાઈ-બહેનો, યુવાનો, વડીલોને આ યજ્ઞકાર્યમાં રક્તદાન કરી માનવતા મહેંકાવવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હાર્દિક અપીલ કરે છે.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
