જન જાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્મિત યુવક મંડળે ગણેશોત્સવને સાર્થક બનાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત પાલણપોરનાં સ્મિત યુવક મંડળ દ્વારા ચાલુ વર્ષે ગણેશોત્સવ દરમિયાન વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ફક્ત માત્ર છ વર્ષનાં સૌથી નાના રેયાંશ જયકુમાર પટેલ દ્વારા ગ્રીન ગાર્ડિયન ટ્રસ્ટનાં સહયોગથી એક જનજાગૃતિનાં ભાગરૂપે પોસ્ટરો દ્વારા સાપો વિશે અને પર્યાવરણ વિશે માહિતી આપી પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સાપો અને પર્યાવરણ વિશે ફેલાતી અંધશ્રદ્ધા વિશે સૌને જાગૃત કરવામાં આવ્યા હતાં.
બીજીતરફ ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં સહયોગથી સ્મિત યુવક મંડળનાં આયોજક જયકુમાર સહિત ઉર્વ દેસાઈ, કેયુર સુથાર અને ફેનિલ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાની મોરટુંડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનનાં દિવસે આ મંડળ દ્વારા કૃત્રિમ તળાવ બનાવી ગણેશજી તથા મંગલમૂર્તિ મળીને કુલ 44 જેટલી પ્રતિમાઓનું ધાર્મિક પરંપરા મુજબ વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલણપોર ગામ ખાતે આવેલ સ્મિત રેસિડેન્સીનાં સ્મિત યુવક મંડળનાં આયોજક જયકુમાર પટેલ તથા સભ્યો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી ગણેશ ઉત્સવમાં વિવિધ સામાજિક કાર્યક્રમો થકી ધાર્મિક અને સામાજિક સંદેશા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે છેલ્લાં આઠ વર્ષથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ટૂંકમાં સ્મિત યુવક મંડળે દેખાદેખી, બિનજરૂરી ખર્ચા તેમજ ભ્રામક ભપકાઓથી દૂર રહી સામાજિક કાર્યોને ઉજવણી સાથે જોડી અન્યોને હકારાત્મક રાહ ચીંઘ્યો છે.
તસવીર: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

