મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દરગાહ કંપાઉન્ડ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા (ચિશ્તીયાનગર) મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તી, તથા નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબનાં પવિત્ર મુએ મુબારક (બાલ) મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતેહા ખ્વાની કરવામાં આવેલ તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી, જ્યાં કોમી એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત પાલેજ મોટામિયાં બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે પયગમ્બર સાહેબનાં પવિત્ર બાલ મુબારકની ઝિયારત કરાવવામાં આવેલ હતી, સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતેહા ખાની કરવામાં આવેલ તેમજ દુઆ કરવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદતમંદો, ભગત ભાઈઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી સાહેબ તથા તેઓનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબનાં જીવનબોધને પોતાનાં જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દ – એકતાનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

