અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંગે એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો
લોખંડી પુરુષ અને સરદાર જેવા ઉપનામો કેવી રીતે મળ્યા તેમજ તેમના આઝાદી માટેના ઉમદા ફાળા અંગેના અનેક પ્રસંગો સાંભળી અધિકારીગણ મંત્રમુગ્ધ થયા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :: તા.03 . આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતની ઉજવણી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ સાથે કરવાની રાજ્ય સરકારના નિર્ણયને પગલે તાપી જિલ્લા સેવા સદન ખાતે “એકતા સંવાદ કાર્યક્રમ” યોજાયો હતો.
કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીઓ મહાનુભાવો કમર્ચારીઓ, વક્તાઓ તેમજ તજજ્ઞો હાજર રહ્યા હતા. ભારતની આઝાદીના તેમજ જ્ઞાત અજ્ઞાત ઐતહાસિક બનાવોને જનમાનસ સુધી સર્જનાત્મક રીતે પહોચાડવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમ ૧૭૧-વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વ, દ્રઢ સંકલ્પશક્તિ, દેશદાઝ અને કર્મનિષ્ઠાના ગુણો વિવિધ પ્રસંગો દ્વારા વક્તાઓએ સંભળાવ્યા હતા. તજજ્ઞ વક્તા તરીકે આર્ટસ એન કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી ધર્મેશ પંડ્યા, વેડછી કોલેજના આચાર્ય ડો. અંજના ચૌધરી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઉચ્છલના શ્રી અરવિંદભાઈ ગામીતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલા પ્રસંગો દ્વારા સંપ, સાદગી, સંયમ, સહકાર,સત્યાગ્રહ, સામાજિક સમરસતા, સહભાગિતા જેવા ગુણો દ્વારા આપણા દેશને અખંડ અને સ્વતંત્ર ભારત બનાવવા માટે કરેલા અથાગ પ્રયત્નોની ચર્ચા કરી હતી. વક્તાઓના વક્તવ્યો સાંભળીને તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, નાયબ કલેકટરશ્રી નિશાંત કુશાગીયા તેમજ શ્રી સાગર મોવલીયા તેમજ સંકલનના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

