ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં બોરખડી નવોદય વિદ્યાલય ખાતે યુવા સંસદ કાર્યક્રમ યોજાયો
યુથ પાર્લામેન્ટ એટલે યુવાઓમાં સંસદીય કાર્યવાહી અને લોકશાહીના મૂલ્યો પ્રત્યે સમજણ અને પ્રતિબદ્ધતા વિકસાવવાનો અનોખો કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે આજે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદની પ્રક્રિયાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અને તેમના વ્યક્તિત્વમાં નેતૃત્વ, જવાબદારી તથા રાજકીય જાગૃતિ વિકસાવવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના સંબોધનમાં લોકશાહી પ્રત્યે યુવાનોની સક્રિય ભાગીદારીનું મહત્વ ઉજાગર કરતાં જણાવ્યું કે વિદ્યાર્થી જીવનથી જ લોકશાહી મૂલ્યોને અપનાવવી આવશ્યક છે.
વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. હિતેન્દ્રસિંહ વાય. ખારવાસિયા, પ્રિન્સિપાલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા તથા શ્રી આર. ઓ. પરમાર, નિવૃત્ત શિક્ષક (જ.ન.વિ.), ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું તથા શિક્ષણક્ષેત્રના પોતાના અનુભવો જણાવ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો અને ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલશ્રીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ સંસદીય પ્રક્રિયાનો જીવંત અભ્યાસ કરતાં ચર્ચા-વિચારણા અને સંસદીય કાર્યવાહી કરી હતી.
અતિથિઓએ વિદ્યાર્થીઓની આત્મવિશ્વાસભરી રજૂઆતની પ્રશંસા કરી અને આવા મંચો ભવિષ્યના જવાબદાર નાગરિકો તથા નેતાઓ ઘડવામાં અત્યંત મહત્વપૂર્ણ હોવાનું સાબિત થયું હતું.
નોંધનીય છે કે આ યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ સંસદીય પરંપરા તથા લોકશાહી મૂલ્યો પ્રત્યે યુવાઓમાં સમજણ અને પ્રતિબદ્ધતા વિકસાવવા માટે રાષ્ટ્રીય સ્તરે યોજાતી અનોખી પહેલનો એક ભાગ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

