‘સિદ્ધિ તેને જઈ વળે, જે પરસેવે ન્હાય’ ઉક્તિને સાર્થક કરતાં રાવજી પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એક એવાં વ્યક્તિ જે બીજા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે માતા ગુમાવ્યા હતાં. આમ છતાં પિતા જેઠાભાઈ પટેલે દીકરો ભણી ગણીને ઉચ્ચ અભ્યાસ કરી માવતર તથા સમાજનું નામ રોશન કરે એવું સ્વપ્ન જોયું. પુત્રને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગામની જ શાળામાં નિયમિત મોકલીને પૂર્ણ કરાવ્યું. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગામથી 17 કિમી દૂરની શાળામાં પગપાળા જઈને પૂર્ણ કર્યુ. વાત છે મહીસાગરનાં લુણાવાડા તાલુકાનાં ઢેસીયા ગામનાં અડગ મનનાં વ્યક્તિ રાવજી જેઠાભાઈ પટેલની. જેમણે ખૂબજ વિકટ પરિસ્થિતિ વચ્ચે અભ્યાસ કરી વતનથી દૂર નોકરીની શોધમાં સુરત તરફ આવી ઓલપાડ તાલુકાની સેગવાછામા ગામની સર્વોદય વિદ્યાલયમાં ચાર વર્ષ સુધી ફરજ બજાવી કુશળ શિક્ષક તરીકેની નામના મેળવી.
જે સારું વિચારે તેનું ઈશ્વર પણ સારું કરે એ મુજબ તેઓ પોતાની ગરીબાઈને વાગોળી કઠિન પરિશ્રમ કરતાં રહ્યાં. તેમણે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન સાથે હૂંફ આપી અભ્યાસમાં આગળ વધાર્યા. આપઘાત કરવાનાં વિચારો ધરાવતાં વિદ્યાર્થીઓને પણ કુનેહપૂર્વક સમજાવી આગળ વધાર્યા. તેમની કુશળતા જોઈ અનેક વિદ્યાર્થીઓએ તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું .આજે સુરતમાં અનેક અધિકારીઓ એમનાં હાથ નીચે શિક્ષણ મેળવી આગળ વધ્યા છે અને ખૂબ જ સફળ થયા છે. તેમણે સમાજને પણ કંઈક ઉપયોગી થવા માટે અત્યંત ગરીબ વિદ્યાર્થીઓને બિલકુલ મફત શિક્ષણ આપી પગભર કર્યા. આજે પણ સુરત શહેરનાં ખ્યાતનામ ડોક્ટરો, બિલ્ડરો તેમજ અધિકારીગણનાં સંતાનો તેમનું માર્ગદર્શન મેળવી આગળ વધી રહ્યાં છે જે નોંધનીય બાબત છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ વાતને રાવજી પટેલે ખરા અર્થમાં સાબિત કરી પોતાનું અવિરત સામાજિક ઉત્તરદાયિત્વ દાખવી રહ્યાં છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

