મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓ માટે કરિયર ગાઈડન્સ સેમીનાર અને ભરતી મેળો યોજાયોમ
ખાનગી નોકરી પ્રદાતાઓ દ્વારા બહેનો માટે રોજગારલક્ષી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 0૪ ઓગસ્ટ. તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી વંદન ઉત્સવ–૨૦૨૫” નિમિત્તે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણી તા.04 ઓગસ્ટના રોજ જિલ્લા પંચાયત હોલ વ્યરા ખાતે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી નિમિતે મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મહિલાઓ માટે સ્વરોજગાર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો. ડીસ્ટ્રીકટ લીડ બેંક દ્વારા સિચ્યુરેશન કેમ્પ હેઠળ નાણાંકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત દરેક લોકોને પી.એમ.જે.જે.બી.વાય અને પી.એમ.એસ.બી.વાય તથા અટલ પેન્શન યોજના વિષે અલગ અલગ સ્ટોલ પ્રદર્શિત કરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ ઉપરાંત રિકેવાયસી, નોમિનેશન અને ડિઝિટલ ફ્રોડ અને જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાનશ્રી અને આપણા મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વમાં બહેનો અને તેમનો પરિવાર આગળ આવે તે માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તમારા માટે રોજગાર, શિક્ષણ, આરોગ્ય, નાણાંકીય સહાય જેવા અનેકવિધ આયોજનો સરકાર કરે છે. પહેલા સાક્ષરતાનો આભાવ હતો, હવે તમે શિક્ષિત છો, પગભર થઈ શકો છો, પશુપાલન કરો, ખેતીવાડી કરો, શાકભાજી વેચો. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના એસ.પટેલે મહિલાઓના વર્તમાન યોજનાઓ તેમજ આર્થિક રીતે પગભર થવા માટે સૂચનો કર્યા હતા. તેમણે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરેના લાભો સમજાવ્યા હતા. આ ઉપરાંત સમારોહમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસી. કમિશ્નરશ્રી, લીડ ડીસ્ટ્રીકટ મેનેજરશ્રી, જિલ્લા રોજગાર કચેરીના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્રના ડાયરેક્ટરશ્રીએ પોતાના ફિલ્ડને અનુરૂપ લોન, કારકિર્દી, સ્વરોજગાર તેમજ અભ્યાસના મહત્વ અંગે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા માહિતી કચેરી, તાપી દ્વારા બહેનોને પાક્ષિક અને રોજગાર સમાચારના પ્રચાર પ્રસાર માટે જાણકારી આપવામાં આવી હતી તેમજ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ઘરેલું હિંસામાં મહિલાઓને રક્ષણ આપતો કાયદો, સખી વન સ્ટોપ સેન્ટર, કામકાજના સ્થળે જાતીય સતામણીનો કાયદો, બેટી પઢાઓ, બેટી બચાઓ જેવી ફ્લેગશીપ યોજનાઓ અને કાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મધુબેન ગામીત, કારોબારી અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ગામીત, ખાનગી કંપનીઓના નોકરી પ્રદાતાઓ તેમજ મોટી સંખ્યામાં રોજગારઈચ્છુક બહેનો જોડાઈ હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

