ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘનાં હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા સંગઠનનાં નવનિયુક્ત જવાબદાર હોદ્દેદારોની આગામી દિવસોમાં સંગઠનને મજબૂત કરવા સાથે તાલુકાનાં વહીવટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રનાં સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠકની શરૂઆત બે મિનિટ મૌન સાથે કરવામાં આવી હતી. પ્રારંભે સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી ગત સભાનાં એજન્ડાનું વાંચન કર્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સંગઠનની પારદર્શક કાર્યપ્રણાલી પર પ્રકાશ પાડી તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને પોતપોતાની જવાબદારીઓ સોંપી હતી. તેમણે એકબીજા સાથેનાં યોગ્ય સંકલન થકી શિક્ષકોનાં દરેક કાર્યોને સુપેરે પાર પાડવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે બાળ ઉત્કર્ષ તથા મહિલા સશક્તિકરણ વિશે વાતો જણાવી તાલુકા સંગઠનની સમગ્ર બિનહરીફ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે છેલ્લાં ત્રણ વર્ષથી ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સેવા આપનાર નગીનભાઈ પટેલ, નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા તથા ચૂંટણી અધિકારી તરીકે માનદ્ સેવા આપનાર રાકેશભાઈ મહેતાને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અંતમાં સંગઠનનાં નવનિયુક્ત પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ સુરેશભાઈ પટેલને મંચસ્થ મહાનુભવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનાં જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

