હેમલતાબેન ચેરીટેબલ ટ્રસ્ટ કે.એમ.ચોક્સી જ્વેલર્સ દ્વારા પ્રાથમિક શાળા આસરમામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા ટ્રેકસૂટનું વિતરણ
ટ્રસ્ટ દ્રારા શાળામાં યુનિફોર્મ સહિત અન્ય સુવિધા માટે 30 લાખની માતબર રકમનું દાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરતનાં માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા આસરમામાં તમામ વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ તથા બે જોડી ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેમલતાબેન ચેરીટેબલ ટ્રસ્ટ કે.એમ.ચોક્સી જ્વેલર્સ, કોસંબાનાં ચેરમેન કેસરીમલ ચોકસીનાં હસ્તે તમામ બાળકોને યુનિફોર્મ તથા ટ્રેકસૂટ આપવામાં આવતાં બાળકોમાં આનંદની લહેર પ્રસરી હતી. આ તકે અત્રેની શાળાનાં આચાર્ય મોહનસિંહ ખેર દ્વારા દાતા કેસરીમલ ચોકસીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંટવા હાઇસ્કૂલનાં આચાર્ય પ્રવિણસિંહ સોલંકી, શિક્ષક અને સામાજિક અગ્રણી અર્જુનસિંહ મોરથાણા એસએમસીનાં અધ્યક્ષ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
દાતા કેસરીમલ ચોક્સીએ પ્રાસંગિક ઉદબોધનમાં બાળકોને અભ્યાસમાં ધ્યાન આપી શાળા તેમજ ગામનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણે પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને કે.એમ.ચોકસી પરિવારની ઉમદા પ્રવૃત્તિને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજપર્યંત લગભગ 28 શાળાનાં 2200 જેટલાં બાળકોને કેસરીમલ ચોકસી તરફથી યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ છે અને શાળાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા અંદાજિત 30 લાખ જેટલી માતબર રકમનું દાન પણ આપવામાં આવેલ છે. તેમનાં દ્વારા શાળાઓમાં અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

