ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સુગર બોર્ડની રચના કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સરકારશ્રીની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, સુરત દ્વારા દરેક શાળામાં સુગરબોર્ડની રચના કરવાનો આદેશ આપવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે તળાદ શાળામાં વિજ્ઞાનનાં શિક્ષકો જીતેન્દ્રભાઈ એમ.પટેલ તેમજ કુમારી હિમાલીબેનનાં માર્ગદર્શન હેઠળ શાળામાં સુગર બોર્ડની રચના કરવામાં આવી.
સદર સુગર બોર્ડની જાણ વિદ્યાર્થીને થાય એ હેતુથી ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ સમક્ષ સુગરની આડઅસરો વિષયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટક દ્વારા વિદ્યાર્થીઓને જંક ફૂડ તેમજ તૈયાર પડીકાઓમાં જે સુગરનું પ્રમાણ હોય છે તેની જાણકારી આપવામાં આવી. તદ્ઉપરાંત વિજ્ઞાનનાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શરીરમાં સુગરનું પ્રમાણ વધી જવાથી કેવા કેવા ગેરફાયદાઓ થાય છે અને સુગર શરીરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી. અંતે શાળાનાં આચાર્યએ નાટકમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાનનાં શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં. સાથોસાથ વિદ્યાર્થીઓને સુગરયુક્ત ખોરાક પ્રમાણસર ખાવાની પણ સૂચના આપવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

