બાળકોમાં લોકશાહીનાં મૂલ્યો પ્રસ્થાપિત કરવાનાં હેતુસર કીમ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી

Contact News Publisher

આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યનાં જવાબદાર નાગરિકોનાં ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે : શાળા શિક્ષકગણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : લોકશાહીનાં મૂલ્યોને બાળકોમાં સિંચિત કરવા અને નેતૃત્વનાં ગુણોનો વિકાસ કરવાનાં ઉદ્દેશ્ય સાથે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, કારણ કે તેઓ પોતાનાં પ્રતિનિધિઓને ચૂંટવા માટે સક્રિયપણે ભાગ લઈ રહ્યાં હતાં.
શાળાનાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા નિર્ધારિત સમય મુજબ શરૂ થઈ હતી. ચૂંટણી માટે કુલ 3 બૂથ બનાવવામાં આવ્યા હતાં. કુલ 377 મતદારોએ શિસ્તબદ્ધ રીતે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત ગણતરીનાં અંતે ધોરણ-8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કરણ દિલીપભાઈ યાદવ 114 મતો સાથે સૌથી વધુ મતો મેળવી મહામંત્રી પદ માટે વિજેતા જાહેર થયા હતાં.
સદર બાળ સંસદની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને લોકશાહી પ્રણાલી, મતદાનનું મહત્વ અને પોતાનાં અધિકારો તથા ફરજો વિશે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું. શાળા પરિવારે વિજેતા ઉમેદવાર સહિત તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં. શિક્ષકગણે બાળ સંસદનાં માધ્યમથી શાળાનાં વિકાસ કાર્યોમાં તેમનાં સહયોગની અપેક્ષા સેવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યનાં જવાબદાર નાગરિકોનાં ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

તસવીર:વિજય પટેલ (ઓલપાડ)

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *