ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી રથયાત્રાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સીડીપીઓ ભારતીબેન મુંધવા, તાલુકા કો-ઓર્ડિનેટર પ્રવિણાબેન, મુખ્ય સેવિકા જયશ્રીબેન તથા નીરજબેન સીઆરસી તેજસ નવસારી વાળા, ટ્રાન્સપોર્ટેશન કો-ઓર્ડિનેટર આકાશ પટેલ તથા આરોગ્ય કેન્દ્રનાં જાગૃતિ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે સાથે ગામનાં સરપંચ હેમલતા ગોરાણી, સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ભક્તિબેન પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ તથા સભ્યો દાતાઓ તથા વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે શાળાનાં આચાર્ય નિલેશ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશપાત્ર ભૂલકાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે ગત વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. સાથે સાથે સો ટકા હાજરી પ્રાપ્ત કરનાર તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. પ્રસંગનાં મુખ્ય દાતા મનિષ ચૌહાણે તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતાં. બીજીતરફ મુકેશ ગોરાણીએ ભોજનની વ્યવસ્થા કરી હતી. અન્ય દાતા દલપતભાઈએ બાળકોને પ્રોત્સાહનરૂપે હજાર રૂપિયાનું રોકડ દાન કર્યું હતું જ્યારે દાતા રજની બાપુએ શાળાને 15 મી ઓગસ્ટ સુધીમાં એલસીડી ટીવી આપવા માટેની જાહેરાત કરી હતી. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતા મનીષ ચૌહાણ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્ય નિલેશ પટેલે દાતાઓનું સન્માનપત્ર આપી તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.
આ તકે ટ્રાન્સપોર્ટેશન કો-ઓર્ડિનેટર આકાશ પટેલ તથા સીડીપીઓ ભારતીબેન મુંધવાએ ટ્રાન્સપોર્ટેશન વેનને લીલી ઝંડી બતાવી ટ્રાન્સપોર્ટેશનની વિધિવત શરૂઆત કરાવી હતી. કાર્યક્રમનાં અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ એસએમસી મીટીંગ તેમજ વાલી મીટીંગ યોજવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

