તાપી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

Contact News Publisher

છેવાડાના લોકો સુધી સો ટકા સરકારી સેવાઓ પહોંચાડવાનો અમારો દૃઢ સંકલ્પ: તાપી કલેક્ટર ડૉ. ગર્ગ

૧૫ જુલાઇ સુધી સરકારના ૧૭ વિભાગોની ૨૫ જેટલી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવાનું આયોજન

છેલ્લા ચાર દિવસમાં ૧૨,૬૪૨ નાગરિકોએ કેમ્પમાં ભાગ લીધો: ૮૩૦ આધાર કાર્ડ, ૫૦૦ આયુષ્માન કાર્ડ, ૪૪૭ પીએમ કિસાન સન્માન નિધિ અને ૨૯૩ રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યા

હજુ આવતા ૧૦ દિવસ સુધી કાર્યરત આ અભિયાનનો વધુમાં વધુ લોકો લાભ લેવા વહીવટી તંત્રનો અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૪ જુલાઇ. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા તાપી જિલ્લામાં ૩૦ જૂનથી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ‘ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન’ હાલ કાર્યરત છે. આ અભિયાન હેઠળ ૩૬૯ ગામોમાં આશરે ૫.૨૦ લાખ આદિવાસી નાગરિકોને સરકારશ્રીની ૨૫ થી વધુ વ્યક્તિલક્ષી યોજનાઓ અને માળખાગત સુવિધાઓના લાભોથી લાભાન્વિત કરવાની કામગીરી ચાલી રહી છે.

આજ રોજ તાપી જિલ્લા કલેકટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં કલેકટરશ્રીએ પત્રકારમિત્રોને ધરતી આબા જનભાગીદારી અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ગત ૩૦ જુનથી વિવિધ ગામોમાં ધરતી આબા જનભાગીદારી અભિયાન યોજાઇ રહ્યા છે. જેમાં ગત ૩૦ જૂનથી ૩ જુલાઈ એટલે કે ૪ દિવસમાં જન-જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પમાં અંદાજિત ૧૨,૬૪૨ જેટલા નાગરિકોએ ભાગ લીધો છે.જેમાં કુલ ૪,૯૬૭ લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે.

વિગતવાર માહિતી આપતા ક્લેકટરે જણાવ્યું હતું કે ગત ૪ દિવસમાં ૭ તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલ જનભાગીદારી કેમ્પ દ્વારા આધાર કાર્ડના ૮૩૦,આયુષ્માન કાર્ડ ૫૦૦,પીએમ-કિસાન સન્માન નિધિ ૪૪૭, રેશન કાર્ડ ૨૯૩,મનરેગા ૪૪૮,જાતિ પ્રમાણપત્ર-૮૮,પેન્શન યોજના ૪૪,પીએમ સુરક્ષા બિમા યોજના-૫૫,જનધન ખાતા-૩૧,સિકલ સેલ ટેસ્ટિંગ-૨,૨૦૪,પીએમ ઉજ્જવલા યોજના-૨૭ આમ અંદાજિત કુલ ૪,૯૬૭ લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા છે.

વધુમાં આ અભિયાન હેઠળ આગામી ૧૦ દિવસ સુધી યોજનાર કેમ્પ્સમાં વધુમાં વધુ વંચિત લાભાર્થીઓને આવરી લઈ લાભ આપવામાં આવશે. આ કામગીરી અસરકારક રીતે થાય તે માટે સમયાંતરે સમીક્ષા તથા મુલાકાત લઈ જરૂરી સુચનો પણ આપવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે પીએમ જનમન અભિયાન અંતર્ગત જિલ્લાનાં આદિમજુથનાં વંચિત લાભાર્થીઓની ચોક્ક્સ માહિતી મળી રહે તે માટે ૩૦,૦૦૦ જેટલા નબળા આદિજાતિ સમુદાયના લોકોનાં રી સર્વે કરી વંચિત રહેલ લાભાર્થીઓને ૧૦૦% સેચ્યુરેટની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન એ માત્ર લાભ વિતરણ પૂરતું નહીં, પણ સમાજના અંતિમ માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો દૃઢ સંકલ્પ છે. કોઈ પણ આદિવાસી પરિવાર લાભથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર વિશેષ ધ્યાન આપીને કામગીરી કરી રહ્યું છે.

આ તકે પ્રાયોજના વહીવટદાર જ્યંતસિંહ રાઠોડે ધરતી આબા જનભાગીદારી અભિયાનનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે પત્રકાર મિત્રોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં ૧૫ જુલાઈ સુધી યોજાનાર કેમ્પમાં વધુમાં વધુ આદિજાતિ લાભાર્થીઓ ભાગ લે સરકારી યોજનાઓનો લાભ મેળવે અને આ અભિયાન સફળ બને તે માટે બહોળી પ્રસિધ્ધિ કરી સહકાર આપવા અપિલ કરવામાં આવી હતી. લોકો ૧૫ જુલાઈ સુધી યોજાનાર કેમ્પોમાં હાજરી આપી સરકારી યોજનાઓનો લાભ મેળવી આ અભિયાનને સફળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આજની પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેક્ટર આર. આર. બોરડ, સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલ સહીત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *