ઓલપાડની પરીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાતનાં શિક્ષણ વિભાગ પ્રેરિત શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી રથયાત્રા મહોત્સવની ઉજવણી ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પરીયા પ્રાથમિક શાળામાં રંગેચંગે કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ગામનાં સરપંચ અનિરૂધ્ધ ગોહિલ તથા ગ્રામ પંચાયત સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રારંભે શાળાનાં આચાર્ય હર્ષદ પંચાલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે ગત વાર્ષિક પરીક્ષામાં એકથી ત્રણ ક્રમાંકે ઉત્તિર્ણ થયેલ બાળકોને પ્રોત્સાહિત ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. શાળા પ્રવેશોત્સવ ૨૫-૨૬ અંતર્ગત બાલવાટિકામાં પ્રવેશ પામેલ તમામ બાળકોને ગ્રામ પંચાયત તરફથી ડિજીટલ સ્લેટ એલસીડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાનાં ઉપશિક્ષક ભાર્ગવ ત્રિવેદીએ શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
