શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ : વિકાસ કમિશનર હિતેશ કોયાએ ઓલપાડ તાલુકાની ૨ શાળાઓમાં ૩૩૭ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી હેઠળ ઓલપાડનાં કીમ નગર ખાતે વિકાસ કમિશનર હિતેશ કોયાએ કીમ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં કુલ ૧૯, બાલવાટિકામાં કુલ ૫૨ અને ધોરણ ૧ માં ૫ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે પી.કે.દેસાઈ વિદ્યાલયમાં ધોરણ ૯ માં ૧૮૨ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૧ માં ૭૯ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે કમિશનર હિતેશ કોયાએ બાળકોને સંબોધતા જણાવ્યું કે શાળા એ બાળકનાં જીવનનું બીજું ઘર છે. અહીં બાળક માત્ર અક્ષરજ્ઞાન નહિ પણ સંસ્કાર, શિસ્ત અને જીવનકૌશલ્ય પણ શીખે છે. આ શુભ પ્રસંગે કુમકુમ તિલક કરી નાના ભૂલકાઓએ શાળામાં પ્રથમ પગલાં મૂક્યાં છે જે એમનાં જીવનનું કાયમી સંભારણૂં બની જશે. આજથી શરૂ થનારી તેમની શૈક્ષણિક યાત્રા જ્ઞાન, કરૂણા અને નવી શક્યતાઓથી ભરી છે. શિક્ષક તરીકે આપણી જવાબદારી છે કે તેમને આત્મવિશ્વાસ, પ્રેમ અને સમર્પણથી નવી ઊંચાઈઓ સુધી લઈ જઈએ.

વધુમાં તેમણે વાલીઓને બાળકોનાં વિકાસમાં મદદરૂપ બનવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે વાલીઓએ શાળામાં થતી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપી બાળકોને ભણવા અને અન્ય પ્રવૃત્તિઓમાં રસ દાખવવા સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું જોઈએ તેમજ બાળકોનાં વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપવું જોઈએ.

આ અવસરે કમિશનરશ્રી તથા અન્ય મહાનુભાવોનાં હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, ટીડીઓ હાર્દિક ગઢવી, સુરત ડીઈઓ કચેરીનાં કરીમભાઈ, સીઆરસીનાં મિતેશ પટેલ, શાળાનાં આચાર્ય, મોટી સંખ્યામાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *